નિવૃત શિક્ષક પાસેથી વ્યાજખોરોએ 10.25 લાખની સામે 23.75 લાખ વસુલયા
જેતપુરમાં રહેતા નિવૃત શિક્ષક પાસેથી વધુ વ્યાજ ઉઘરાવવા ધમકી આપી ત્રાસ આપનાર પિતા-પુત્ર સહીત ત્રણ સામે ફરિયાદ
જેતપુરમાં અમરનગર રોડ પર રહેતા નિવૃત શિક્ષકે વ્યાજખોર પિતા-પુત્ર પાસેથી કટકે કટકે રૂપિયા વ્યાજની કુલ રૂ.૧૦.૨૫ લાખ લીધા હતા.અને તેના બદલામાં રૂ.૨૩.૭૫ લાખ ચૂકવી દીધા હોવા છતાં પિતા-પુત્ર પઠાણી-ઉઘરાણી કરતા હતા તેમજ શિક્ષકે અન્ય એક શખસ પાસેથી અઢી લાખ વ્યાજે લીધા હોય જેને ૯૭,૫૦૦ ચૂકવી દીધા બાદ પણ પઠાણી ઉઘરાણી કરતાં તેઓએ ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે.
વિગતો મુજબ, જેતપુરમાં વેકરીયાનગરમાં રહેતા દિનેશકુમાર ધનજીભાઈ વાલાણી (ઉ.વ. ૬૦) નામના નિવૃત્ત શિક્ષકએ પોતાની ફરિયાદમાં આરોપીમાં અમરનગર રોડ પર રહેતા કૃણાલ વિજયભાઈ રાવલ તેના પિતા વિજય હર્ષદભાઈ રાવલ તથા ડોબરીયા વાડી વિસ્તારમાં રહેતા દિનેશ હર્ષદ રાવલનું નામ આપતા જણાવ્યું હતું કે,વર્ષ ૨૦૨૪ના જાન્યુઆરી માસમાં તેમને ઘર ખર્ચ માટે પૈસાની જરૂર હોય જેથી કૃણાલ રાવલનો સંપર્ક કરી તેની પાસેથી રૂ.૫૦,૦૦૦ રોજનું ૧૦૦૦ વ્યાજ ચૂકવવાની શરતે વ્યાજે લીધા હતા.અને તેઓ વ્યાજના ચક્રમાં ફસાયા હતા. બે ત્રણ દિવસ વ્યાજની રકમ ભર્યા બાદ એક મહિનો પૂરો થઈ ગયો હોય પરંતુ ૫૦,૦૦૦ ની વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય વ્યાજ ચડતું જતું હતું અને આ વ્યાજની રકમ ચૂકવવા માટે પૈસાની જરૂરિયાત પડતા દિનેશકુમારે કૃણાલ પાસેથી કટકે કટકે પૈસા લેતા ગયા આમ કુલ રૂ.પ.રપ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. અને તેનું વ્યાજ ચુકવ્યા બાદ રકમ પૂરી ન થતાં કૃણાલના પિતા પાસેથી રૂ.૪.૫૦ લાખ વ્યાજે લીધા હતા.પરંતુ તેનું વ્યાજ સમયસર ન ચૂકવાતા પિતા-પુત્રએ ઉઘરાણી શરૂ કરી હતી.જેથી તેને દિનેશ હર્ષદ રાવલ પાસેથી ૯૭,૫૦૦ વ્યાજે લીધા હતા.આમ નિવૃત શિક્ષકે કુલ રૂ.૧૦.૨૫ લાખ સામે રૂ.૨૩.૭૫ લાખ ચૂકવી દીધા હોવા છતાં આરોપીઓ ઉઘરાણી કરી ધમકીઓ આપતા હોવાથી અંતે ફરિયાદ નોંધાવી હતી.