કપિલ શર્મા-ટોળકીએ રાજકોટના મેનેજરને ચોપડ્યો ૪.૭૮ કરોડનો ચૂનો !
સલ્ફર ગ્રેન્યુઅલની ખરીદી મામલે કે.એન.કોર્પો.ના મેનેજરને ઈરાન, દિલ્હી સહિતના સ્થળે ફેરવીને આખરે હાથ ઉંચા કરી દીધા
કચ્છના વેપારી પરાગ દેસાઈનો ભેટો થયા બાદ શરૂ થયો આખોયે ખેલ: બે મહિલા સહિત પાંચ સામે નોંધાયો ગુન્હો
રાજકોટના રામપર બેટી ગામે આર.કે.ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા કે.એન.કોર્પોરેશન કંપનીના મેનેજર સાથે કપિલ શર્મા અને તેની ટોળકી દ્વારા ૪.૭૮ કરોડની છેતરપિંડી આચરવામાં આવતાં પોલીસે બે મહિલા સહિત પાંચ સામે ગુન્હો નોંધ્યો છે.
આ અંગે કે.એન.કોર્પોરેશન કંપનીના મેનેજર પ્રવીણ ભીખુભાઈ બગડાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત સપ્ટેમ્બર મહિનામાં ગાંધીધામ-કચ્છના વેપારી એવા પરાગ દેસાઈ સાથે તેમની મુલાકાત થઈ હતી. પરાગ દેસાઈ અમારી પાસે દલાલ તરીકે સલ્ફર ગ્રેન્યુઅલના દાણા વેચવા માટે આવ્યા હતા. આ પછી દાણા સારા લાગતાં અમે ઓર્ડર આપવાનું નક્કી કર્યું હતું. ત્યારે પરાગ દેસાઈએ જણાવ્યું હતું કે સલ્ફરના આ દાણા વિશ્વમ શર્મા જેમની દિલ્હીમાં કંતીકા ઈમ્પોર્ટ એક્સપોર્ટ નામની કંપની આવેલી છે ત્યાંથી આવ્યા છે. ત્યારબાદ ૧૦,૦૦૦ મેટ્રિક ટન સલ્ફર ગ્રેન્યુઅલ ખરીદ કરવાનું નક્કી કર્યું હતું.
છ દિવસ બાદ એટલે કે ૨૯-૯-૨૦૨૩ના કે.એન.કોર્પોરેશન અને કંતીકા ઈમ્પોર્ટ-એક્સપોર્ટ વચ્ચે સલ્ફર ગ્રેન્યુઅલ ખરીદીનો સોદો થયો હતો. આ વેળાએ પ્રોમીસ સેલ અને પ્રોમીસ એગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યું હતું. આ દાણાની ખરીદી ૯,૯૦,૦૦૦ યુએસ ડોલર એટલે કે ૮ કરોડ ૩૧ લાખ ૬૦ હજારમાં કરવાની હતી. આ પેટે અમે બે કરોડ રૂપિયા ૩-૧૦ના ચૂકવ્યા હતા. ચૂકવણી બાદ ૫-૧૧-૨૦૨૩ના માલ પહોંચાડી દેવાનો હતો પરંતુ સમયમર્યાદા પૂર્ણ થઈ ગયાના એક સપ્તાહ બાદ પણ માલ મળ્યો ન્હોતો.
આ પછી પરાગ દેસાઈને ફોન કરતાં તેણે જવાબ આપ્યો ન હોવાથી અમે અમારી કંપનીના ટ્રાન્સપોર્ટ અસગરઅલી હારૂનઅલી ખલીફના ફોનમાંથી તેને ફોન કરતા તેણે ફોન ઉઠાવીને કહ્યું હતું કે ૨.૩૫ લાખ યૂરો સિક્યુરટી પેટે ટ્રાન્સફર કરું છું. આ અંગેની રિસિપ્ટ પણ આપી હતી પરંતુ અમને કશું જ મળ્યું ન્હોતું. આ ઉપરાંત દોઢ કરોડના ચેક પણ બેન્કમાં ચાલ્યા ન્હોતા.
એકંદરે ઓર્ડર અને પૈસા આપ્યાને ઘણો સમય વીતી ગયા છતાં માલ નહીં મળતાં અમે ગુડગાંવ ખાતે કપિલ શર્મા અને વિશ્વમ શર્માને મળવા ગયા હતા. અહીં પણ અમને વાયદા જ મળ્યા હતા. ત્યારબાદ કંતીના ઈમ્પોર્ટ એક્સપોર્ટ એન્ડ ટે્રડિંગ પ્રા.લિ.ના ડાયરેક્ટર ચંચલ રાની વતી કપિલ શર્માનો ફોન આવ્યો હતો કે તમારું કાર્ગો ઈરાનના અબ્બાસા પોર્ટ પર પહોંચી ગયું છે પરંતુ અમારી પાસે શીપ ભાડાના પૈસા નથી એટલે વધુ ૨.૩૫ કરોડ આપવા પડશે જે પણ અમે ચૂકવી આપ્યા હતા પરંતુ અમને માલ ન મળતાં આખરે હું, મારો મિત્ર ઈમરાન અને કપિલ શર્મા ત્રણેય ઈરાનના બંદર અબ્બાસ પર પહોંચ્યા હતા જ્યાં અમને કોઈ જ માલ જોવા મળ્યો ન્હોતો.
આટલું થયા બાદ અમે બધા દિલ્હી આવ્યા હતા જ્યાં કપિલ શર્માએ બે દિવસમાં પૈસા પરત આપી દઈશ તેમ કહ્યું હતું પરંતુ બે દિવસ બાદ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. આમ કપિલ શર્મા, ચંચલ રાની શર્મા, માયાદેવી શર્મા, વિશ્વમ શર્મા અને પરાગ કિરીટભાઈ દેસાઈએ સાથે મળીને અમારી સાથે છેતરપિંડીને અંજામ આપ્યો હતો. આ અંગેની ફરિયાદ નોંધાતાં જ એલસીબી ઝોન-૧ના પીએસઆઈ બી.વી.બોરીસાગરને તપાસ સોંપાઈ છે.
