જયમીનનું નેટવર્ક આખા દેશમાં ફેલાયેલું! PIની ધરપકડ માટે ACB મુંબઇ રવાના
મુંબઈના પીઆઈ વતી રાજકોટમાં ૧૦ લાખની લાંચ લેતા પકડાયેલો વચેટિયો રિમાન્ડ પર
મુંબઈના માટુંગા પોલીસ મથકના પીઆઈ વતી રાજકોટના રેસકોર્સ રિંગરોડ ઉપર ૧૦ લાખની લાંચ લેતાં એસીબીના હાથે પકડાયેલા જયમીન ઉર્ફે જેવીન સાવલિયાનું નેટવર્ક આખા દેશમાં ફેલાયેલું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઉપરાંત તેણે રાજકોટ ઉપરાંત અન્ય શહેરોના કેટલા લોકો પાસેથી લાંચ લીધી છે તે સહિતની વિગતો ઓકાવવા માટે એસીબીએ રિમાન્ડ ઉપર લીધો છે. બીજી બાજુ માટુંગાના પીઆઈ દીગંબર પાગરને દબોચી લેવા માટે એસીબીની એક ટીમ મુંબઈ રવાના થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે રાજકોટના એક વેપારીના ખાતામાં સાયબર ફ્રોડની રકમ જમા થઈ હોવાથી તેનું ખાતું ફ્રિઝ થઈ ગયું હતું. આ પછી મુંબઈની માટુંગા પોલીસ દ્વારા વેપારીનું નિવેદન નોંધવા માટે નોટિસ મોકલવામાં આવી હતી. આ નોટિસની જાણ જયમીન ઉર્ફે જેવીન સાવલિયાને થતાં જ તેણે ફરિયાદીનો સામેથી સંપર્ક કરીને જણાવ્યું હતું કે તમને નોટિસ ઈશ્યુ કરનાર માટુંગા પોલીસ મથકના પીઆઈ મારા ઓળખીતા છે જેથી નિવેદન આપ્યા બાદ ધરપકડ કે બીજી કોઈ હેરાનગતિ નહીં થાય તેના બદલામાં ૧૦ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
જો કે ફરિયાદી લાંચની આ રકમ આપવા માંગતા ન હોય તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો. આ પછી એસીબીએ રેસકોર્સ રિંગરોડ પર ટી-પોસ્ટમાં છટકું ગોઠવ્યું હતું અને જેવો ફરિયાદીએ જયમીન ઉર્ફે જેવીનને લાંચની ૧૦ લાખ રૂપિયાની રકમ ચૂકવી કે તુરંત જ ટીમે ત્રાટકીને જેવિનની ધરપકડ કરી લીધી હતી. જો કે તેના પહેલાં લાંચની રકમ મળી ગયાની ખરાઈ પીઆઈ સાથે કરાવી હતી.
એસીબીએ માટુંગાના પીઆઈ દીગંબર પાગર સામે પણ ગુનો નોંધ્યા બાદ હવે તેની ધરપકડ કરવા માટે એક ટીમ રવાના થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે સાથે સાથે જયમીન ઉર્ફે જેવીનને અન્ય રાજ્યના પીઆઈ-પીએસઆઈ સહિતના સાથે સંબંધો હોવાનું લાગી રહ્યું હોવાથી રિમાન્ડ દરમિયાન એ દિશામાં પણ પૂછપરછ કરાશે.