ખોટી બિલ્ટીના આધારે રાજકોટમાં બે ટ્રક દારૂ ઠલવાય તે પહેલાં જ પકડાયો
સ્ટેટ મોનિટરિંગ સેલે પાણશીણા પાસેથી ૭૧.૬૬ લાખના વિદેશી દારૂ સાથે બે ડ્રાઈવરને દબોચ્યા
ગ્રીનલેન્ડ ચોકડીએ રાજકોટનો બૂટલેગર દારૂ લેવા આવવાનો હતો: રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને રાજકોટની બિલ્ટીઓ મળી
જીપીએસથી બન્ને ટ્રકનું લાઈવ લોકેશન મેળવાતું: ૧.૧૧ કરોડનો મુદ્દામાલ કબજે: રાજકોટ સહિત ચાર શખ્સોને પકડવા તજવીજ
રાજકોટ સહિત આખા રાજ્યમાં દારૂ-જુગારની બદી ઉપર દરોડા પાડી ગુનેગારોના મનમાં ગજબનો ફફડાટ પેદા કરી દેનારા સ્ટેટ મોનિટરિંગ સેલે સુરેન્દ્રનગરના પાણશીણા પાસે બે ટ્રક ભરીને દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. દારૂનો આ જથ્થો ખોટ બિલ્ટીના આધારે રાજકોટ લાવવામાં આવી રહ્યો હતો પરંતુ તે મુળ સ્થાન સુધી પહોંચે તે પહેલાં જ પકડાઈ જતાં દારૂની રેલમછેલ ફરી નાકામ થઈ ગઈ છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.વી.ચિત્રાએ બાતમીના આધારે પાણશીણાના કનાલેરા ગામ પાસે આશાપુરા ઈન્ડિયન ઓઈલ પેટ્રોલિયમ પાસે ઉભેલા ટ્રક તેમજ પાણશીણાની રાધિકા હોટેલ એન્ડ પાન પાર્લર પાસેથી બીજા ટ્રકને પકડી પાડ્યા હતા.
એક ટ્રકમાં થર્મોકોલની આડશ કરી દારૂ છુપાવ્યા બાદ તાલપત્રીથી તેને ઢાંકી દેવામાં આવ્યો હતો. આ ટ્રકના ચાલક પ્રકાશનાથ કેશવનાથ જોગી (ઉ.વ.૩૫, રહે.બાડમેર-રાજસ્થાન)ની પૂછપરછ કરતાં તેણે ટ્રકમાં સાબુ સહિતનો સામાન પડ્યાનું અને આ સામાનની તૈયાર થયેલી ખોટી બિલ્ટી પણ રજૂ કરી હતી. જો કે પાક્કી બાતમી હોવાથી પોલીસે તાલપત્રી ઉઠાવીને જોતાં દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. આ જ રીતે બીજા ટ્રકમાં ચોરખાનું બનાવીને દારૂ છુપાવાયો હતો.
દારૂનો આ જથ્થો હરિયાણાથી સપ્લાય કરવામાં આવ્યો હતો અને સપ્લાયર તરીકે રાજસ્થાનના સતપાલસિંઘ યાદવ તેમજ તેના ભાઈનું નામ સામે આવ્યું છે. આ બન્ને દ્વારા રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને રાજકોટના ટ્રાન્સપોર્ટના નામે ખોટી બિલ્ટી તૈયાર કરીને ચાલકોને આપી દેવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી ચાલક પ્રકાશનાથ ઉપરાંત ખેતારામ વાંકારામ જાટ (રહે.બાડમેર-રાજસ્થાન)ની ધરપકડ કરી ૭૧.૬૬ લાખની કિંમતની ૨૨૪૦૭ બોટલ વિદેશી દારૂ, બે ટ્રક સહિત કુલ ૧,૧૧,૭૮,૨૮૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ દારૂનો જથ્થો રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચે એટલે તેને લેવા જનારા બૂટલેગરનું નામ ઓકાવવા પણ તજવીજ ચાલી રહી છે.