ધોરણ-5ની વિધાર્થીનીએ અપહરણની સ્ટોરી ઘડી શહેરભરની પોલીસને ધંધે લગાડી
રાજકોટની ઇનોવેટિવ સ્કૂલમાં ધોરણ-5 માં અભ્યાસ કરતી એક 10 વર્ષની વિધાર્થીની હોમવર્ક નહિ કર્યું હોવાથી ટ્યુશનમાં ન જવું હોય પોતાના જ અપહરણનું તરકટ રચ્યુંઅને પોલીસ તેમજ પરિવારને ધંધે લગાડી જોકે તીસરી આંખે ભેદ ઉકેલી સત્ય સામે લાવી દીધું સ્કૂલમાં અભ્યાસ કરતાં અન્ય સહપાઠી વચ્ચે થયેલી વાતચીતમાં હોમવર્ક કર્યું ન હોય તો અપહરણનું નાટક કરાય તે વાત વિધાર્થીના કુમળા માનસમાં અસર કરી ગઈ અને બાળકીએ ટ્યુશનનું હોમવર્ક નહિ કર્યું હોય અપહરણનું તરકટ રચ્યું અને ઘરેની નીકળી પરતું ઘરે પાછો આવવાનો રસ્તો ભૂલી ગઈ અને એક રાહદારી પાસે પિતાને ફોન કરાવ્યો કે પોતાનું અપહરણ થયું છે.
રાજકોટના પોપટપરામાં રહેતા પરિવારની ધોરણ-5 માં અભ્યાસ કરતી 10 વર્ષની પુત્રી શુક્રવારે સવારે 8:50 ઘરેથી ટ્યુશનમાં જવા નીકળ્યા બાદ થોડીવાર પછી તેના પિતાને એક વ્યકિતનો ફોન આવ્યો કે તમારી પુત્રી રેફ્યુજી કોલોની પાસે છે. બાળકીએ ફોનમાં પિતાને પોતાનું થાર કારમાં આવેલ ત્રણ શખ્સો અપહરણ કરી લઈ ગયા હતા અને તેના ચૂંગાલ માંથી છૂટી રસ્તામાં ઊભી છે.
વિડિયોગ્રાફીનું કામ કરતાં પિતા પોતાની પુત્રીને રેફ્યુજી કોલોની પાસેથી તેડી આવ્યા અને પોલિસને જાણ કરતાં 10 વર્ષની બાળકીનું અપહરણ કર્યાના સમાચાર વહેતા થયા આ તરફ ઘટનાની ગંભીરતાની નોંધ લઈ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ. ક્રાઇમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ સાથે ક્રાઇમ બ્રાંચ,એસઓજી અને પ્ર. નગર પોલીસ પોપટપરા ખાતે પહોંચી અને ચારે બાજુ નાકાબંધી વચ્ચે અપહરણમાં બચી ગયેલ બાળકીનું નિવેદન લેતા મામલો શંકાસ્પદ લાગતાં સીસીટીવી પણ ચેક કરવામાં આવ્યા. જેમાં બાળકી શાંતિથી ચાલીને જતી હોય અપહરણની બાબત ખોટી હોય તેવું દેખાઈ રહ્યું હોઇ પોલિસે બાળકીની ઊલટ તપાસ શરૂ કરી અને સત્ય સામે આવ્યું કે બાળકીએ પોતાનું હોમવર્ક બાકી હોઇ ટ્યુશન ન જવું હોઇ આ અપહરણનું તરકટ રચ્યું હતું.
બાળકી વૃંદા ઇનોવેટિવ સ્કૂલમાં અભ્યાસ કરે છે. પોલીસ તપાસ અને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે અપહરણનું તરકટ રચના 10 વર્ષની બાળકી જ્યારે સ્કૂલમાં હતી ત્યારે તેની સાથે અભ્યાસ કરતાં સ્કૂલના વિધાર્થીઓ વાતો કરતાં હતા કે જો હોમવર્ક ન કર્યું હોય તો અપહરણનું નાટક કરી લેવાય આ વાત બાળકીના કુમળા માનસ ઉપર અસર કરી ગઈ અભ્યાસમાં ઓછું ધ્યાન આપતી બાળકીએ ટ્યુશનમાં આપેલું હોમવર્ક કર્યું ન હોય તેણે સ્કૂલમાં વિધાર્થીઓએ કરેલી વાત યાદ આવી અને ઘરેથી ટ્યુશન માં જવા નીકળ્યા બાદ તે ઘર પાસે ટ્યુશનમાં જવાને બદલે જેલ પાસેથી ચાલતી ચાલતી ભગવતી હોલ પાસેથી રફ્યુજી કોલોની સુધી પહોંચી ગઈ ત્યાં પહોંચ્યા બાદ રસ્તો ભૂલી જતાં પાછું ઘરે કેમ જવું તે વિચારમાં મુંઝવણમાં મુકાઇ અને રસ્તે પસાર થતાં એક રાહદારીની મદદ માંગી ઘરે પિતાને ફોન કરી અપહરણની વાત કરી બાદમાં પિતાએ પોલીસને જાણ કરતાં શહેરભરની પોલીસ અપહરણકારોને શોધવા ધંધે લાગી જોકે સત્ય સામે આવતા પોલીસ અને પરિવારને રાહત થઈ.
પોલીસ અને પરિવાર સાચી માની જાય તેવી ફિલ્મની જેમ ઘડેલી સ્ટોરી
બાળકીએ અપહરણની એવી સ્ટોરી ઘડી કે જેણે પોલીસ અને પરિવારે સાચી માની લીધી. બાળકીએ પિતાને ફોન કરી અપહરણકારોના ચૂંગાલ માંથી પોતે બચી ગઈ છે પરતું હજું એક બાળકી અપહરણકર્તાની ચુંગાલમાંછે. જે વાત જાણી બાળકીના પિતાએ પોલીસને જાણ કરી પોલીસ અધિકારીઓ અને પરિવારે અપહરણકારોની વિગતો માટે બાળકીની પૂછપરછ કરતાં બાળકીએ જણાવ્યું કે નબંર પ્લેટ વગરની થાર કાર હતી જેમાં ત્રણ શખ્સો હતા જેમાં ડ્રાઇવરે બ્લૂ ટીશર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું જ્યારે અન્ય બે શખ્સોમાં એક શખ્સે લાલ ટીશર્ટ અને શોર્ટ અને ત્રીજા શખ્સે પિસ્તા કલરનું ટીશર્ટ અને બ્લૂ કલરનું પેન્ટ પહેર્યું હતું. બાળકીએ આપેલી આટલી સચોટ માહિતી જાણ્યા બાદ પોલીસને ખરેખર અપહરણની વાત સાચી લાગી હતી. આમ બાળકીએ ફિલ્મી સ્ટોરી જેવી સ્ટોરી ઘડી વાત કરતાં સાચી માની લીધું હતું અને નાકાબંધી કરી દીધી હતી. જોકે સીસીટીવી ફૂટેજે સત્ય સામે લાવી દીધું હતું.