જ્યાં સોનું ગીરવે મુક્યું ત્યાંથી જ ૧૦.૮૧ લાખનું સોનું ચોર્યું !
બબ્બે વખત ધંધામાં ફેઈલ' જતાં નાણાંભીડ થઈ'ને ઘરનું સોનું મુકવા ગેલેક્સી હોટેલ સામે મારૂતિ કોમ્પલેક્સમાં ગયા બાદ દાઢ ડળકી
મીના ગોલ્ડ બાયર’ નામની ઓફિસમાં મોટાપાયે સોનું જોઈ જતાં પ્લાન બનાવ્યો: ડીસીબીના પીએસઆઈ પરમાર, દીપક ચૌહાણ, કૃષ્ણદેવસિંહ ઝાલા સહિતે તસ્કરને દબોચ્યો
ચાર દિવસ પહેલાં જવાહર રોડ પર ગેલેક્સી હોટેલ સામે આવેલા મારૂતિ કોમ્પલેક્સના ચોથા માળે મીના ગોલ્ડ બાયર નામની ઓફિસ નં.૪૧૨માં ત્રાટકીને ૧૦.૮૧ લાખનું સોનું-રોકડ ચોરીને અંજામ આપનારા જૂનાગઢના તસ્કરને ડીસીબીએ પકડી પાડી તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. આ ચોરી કરવા પાછળનું મુખ્ય કારણ બબ્બે વખત ધંધામાં ફેઈલ ગયા બાદ ઉભી થયેલી નાણાંભીડ દૂર કરવાનું જ હતી. આશ્ચર્યની વાત એ છે કે તસ્કર દસેક દિવસ પહેલાં ઉપરોક્ત ઓફિસમાં સોનું ગીરવે મુકવા માટે ગયો હતો જ્યાં મોટાપાયે સોનું જોઈ તેની દાઢ ડળકી હતી અને ત્યાંથી જ ત્રાટક્યો હતો.
ડીસીબી પીઆઈ એમ.આર.ગોંડલિયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એન.પરમાર, દીપકભાઈ ચૌહાણ, કૃષ્ણદેવસિંહ ઝાલા સહિતની ટીમે મુળ સુરત અને હાલ જૂનાગઢના આંબલિયા ગામે રહેતા આકાશ રમેશભાઈ ક્યાડા (ઉ.વ.૨૬) નામના શેરબજારના ધંધાર્થીને પકડ્યો હતો. આકાશે અગાઉ સુરતમાં ધંધો કર્યો હતો પરંતુ તેમાં નિષ્ફળ જતાં શેરબજારમાં ઝંપલાવ્યું હતું જેમાં પણ નસીબે સાથ ન આપતાં નાણાની તંગી સર્જાઈ હતી.
આ પછી નવો ધંધો શરૂ કરવા માટે આકાશે ઘરનું સોનું ગીરવે મુકીને પૈસા મેળવવાનો નિર્ણય લીધો હતો. સોનું લઈને તે જૂનાગઢથી રાજકોટ આવ્યો અને મીના ગોલ્ડ બાયર નામની ઓફિસે પહોંચ્યો હતો. દસેક દિવસ પહેલાં તેણે સોનું પણ ગીરવે મુક્યું હતું. જો કે સોનું મુક્યું ત્યારે ઓફિસમાં મોટાપાયે સોનું પડ્યું હોવાનું જોઈ ગયો હતો. આ પછી તે ચોરી કરવા માટે ૧૭ માર્ચે મોડીરાત્રે કોમ્પલેક્સમાં પહોંચી પાંચમો માળ કે જ્યાં અગાસી આવેલી છે ત્યાં પહોંચ્યો હતો અને ત્યાંથી દોરડા મારફતે ચોથા માળે ઓફિસનો કાચ ફોડી અંદર ઘૂસ્યો હતો. કાચ ફોડતી વખતે આકાશને લાગી જતાં લોહી પણ નીકળ્યું હતું.
ઓફિસમાંથી તેણે ૭૦ હજારની રોકડ તેમજ સોનાના ઘરેણા મળી કુલ ૧૦.૮૧ લાખની ચોરી કરી હતી. જો કે ચોરીનો માલ વેચવા જાય તે પહેલાં જ પોલીસે દબોચી લઈ કુલ ૧૧.૫૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આકાશે પહેલી જ વખત આ પ્રમાણે ચોરી કરી હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું.
