- ફેસબુકમાં એક્સેસ વેચવાની જાહેરાત આપતા યુવક બન્યો છેતરપિંડીનો ભોગ
વોઇસ ઓફ ડે, રાજકોટ
શહેરમાં ફેસબુક પર યુવકે એક્સેસ વેચવાની જાહેરાત આપતા સ્કૂટર જોવા આવેલા ગઠિયાએ ચક્કર મારી આવું કહીને ગયા બાદ રફુચક્કર થઈ જતાં તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
મળતી વિગતો અનુસાર, શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતો સફાઈ કર્મચારી દિવ્યેશ સોલંકીએ તેની પત્ની માટે બે મહિના પહેલા એક્સેસ ખરીદ્યું હતું. પત્ની સ્કૂટરનો ઉપયોગ ન કરતા યુવકે ફેસબુક પર એક્સેસ વેચવાની જાહેરાત આપી હતી. જે બાદ ગત ૨૩ જૂનના રોજ તેના મોબાઈલ પર હિતેષ બાંભણિયા નામના શખ્સનો ફોન આવેલ અને એક્સેસ લેવાનું યુવકને જણાવી કે.કે.વી. હોલ પાસે મળવા બોલાવેલ હતો.
દરમિયાન યુવક સાથે એક્સેસ લેવાની વાતચીત કર્યા બાદ હિતેષ આટો મારી આવું તેવું કહેતા યુવકે હા પાડી હતી. જે બાદ હિતેષ એક્સેસ લઈને ગયા બાદ ઘણા સમય સુધી પરત ન આવતા યુવકે ફોન કરતાં તેનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો.
બનાવ અંગે યુવકે રાજકોટ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી હિતેષ બાંભણિયા વિરૂદ્ધ છેતરપિંડી અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.