મોરબી જેલમાંથી દારૂની ઘૂંટ મારતા -મારતા ગેંગરેપના કેદીએ કર્યું ઇન્સ્ટાગ્રામ લાઈવ
નથી જેલ કે નથી ઝેર જિંદગી, જીવતા આવડે તો લહેર છે જિંદગી
જેલમાં બંધ કાચા કામના કેદીની કરતૂતથી જેલ વિભાગમાં સોંપો : ડીવાયએસપી, એલસીબી અને એસઓજી દ્વારા તપાસ શરૂ
મોરબી : મોરબીની સબ જેલ કેદીઓ માટે જેલ નહીં પણ મહેલ કે બિયર બાર હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક કાચા કામના ગેંગરેપના કેદીએ દારૂનો ગ્લાસમાંથી ઘૂંટ મારી બાઇટિંગ ખાતા-ખાતા ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ થતા આ વિડીયો વાયરલ થયો છે. આ ઘટનાને પગલે જેલ તંત્રમાં સોંપો પડી ગયો છે. બીજીતરફ ગંભીર મામલે મોરબી ડીવાયએસપી, એલસીબી અને એસઓજી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
તાજેતરમાં મોરબીની સબ જેલમાંથી કેડી પાસેથી મોટી સંખ્યામાં પાન મસાલા મળી આવ્યાની ઘટના બાદ મોરબી સબ જેલની અંદરથી એક કેદીએ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં બાબુ દેવા કનારા નામનો કાચા કામના કેદીએ rajveer_ahir_kanara નામના ઈન્સ્ટાગ્રામ આઇડીમાંથી લાઈવ કર્યું હતું. આરોપી બાબુ કનારા વિરૂદ્ધ જામનગરમાં યુવતી સાથે દુષ્કર્મ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અને હૈદ્રાબાદમાં પણ લૂંટનો ગુનો નોંધાયો છે. આગાઉ આરોપી બાબુ દેવા કનારા ભુજ, પોરબંદર સહિતની જેલમાં પણ રહી ચૂક્યો છે. છેલ્લા છ માસથી તેને જેલ બદલી થઈ મોરબી સબ જેલમાં ધકેલવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.
આ ગંભીર બનાવ મામલે મામલે જેલ અધિક્ષક એચ.એ.બાબરીયાએ જણાવ્યું કે આ બાબતે માહિતી મળી છે, તપાસ ચાલુ છે અને જેલરને તાત્કાલિક તપાસ કરી જવાબી કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેઓએ બાબુ દેવા કનારા મોરબી જેલમાં જ હોવાનું જણાવ્યું હતું.બીજી તરફ મોરબી સબ જેલમાં કાચા કામનો કેદી બાબુ દેવા કનારા જેલમાંથી ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થયો ત્યારે તેના હાથમાં દારૂ જેવું દેખાતું પ્રવાહીનોન ભરેલો ગ્લાસ અને બાઈટીંગમાં વેફર્સનું પેકેટ પણ દેખાતું હોય મોરબી ડીવાયએસપી, એલસીબી અને એસઓજીએ પણ તપાસમાં ઝુકાવ્યું છે. પોલીસ અધિકારીઓએ જેલ ખાતે દોડી જઈને તપાસ શરૂ કરી છે.