ચરસ-ગાંજા સહિતના સેવન માટે ખાસ બનેલા પેપર કે જેને `ગોગો’ તરીકે ઓળખવામાં આવે છે તેના ઉપર રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ મુકીને વેચાણ ઉપર સજ્જડ બ્રેક લગાવવાનો આદેશ છૂટતાં જ રાજ્યભરની પોલીસે ઠેર-ઠેર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. આવો જ `ગોગો’નો એક મોટો જથ્થો રૈયા રોડ પર આવેલી ખમણની દુકાનમાં પડ્યો હોવાની બાતમી મળતાં જ એસઓજીએ દરોડો પાડીને ચાર હજાર નંગ `ગોગો’ સહિતના જથ્થા સાથે 65 વર્ષીય વૃદ્ધની ધરપકડ કરી હતી.
રૈયા રોડ પર રામેશ્વર ચોકમાં આવેલી જલારામ નાયલોન ખમણ નામની દુકાનમાં એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજા, પીએસઆઈ વી.વી.ધ્રાંગુ સહિતની ટીમે દરોડો પાડી ચેકિંગ કરતાં દુકાનમાંથી રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, ફિલ્ટર ટીપ્સ, ક્રસીંગ-ટ્રેનો જથ્થો મળી આવતા મહેશભાઈ ધીરજલાલ રાજવીર (ઉ.વ.65, રહે.રામેશ્વર પાર્ક શેરી નં.3)ની ધરપકડ કરવામાં આવી હતી.
મહેશભાઈની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે આ જથ્થો તેઓ અમદાવાદથી થોડા મહિના અગાઉ લાવ્યા હતા. તેઓ ખમણની દુકાનની સાથે જ `ગોગો’ પેપરનું વેચાણ સેલ્સમેનની જેમ દુકાને-દુકાને જઈને કરતા હતા. આ ધંધો તેમણે પાંચેક મહિના પહેલાં શરૂ કર્યો હતો. રાજકોટમાં `ગોગો’ની ખાસ ડિમાન્ડ હોવાથી તેઓ મોટાપાયે જથ્થો લાવ્યા હતા અને નાની-મોટી પાનની દુકાને જઈને જોઈએ એટલો જથ્થો પહોંચાડી દેતા હતા. આ ધંધામાં નફો સારો મળતો હોવાથી તેમણે વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું ! પોલીસે સ્થળ પરથી 2200 નંગ સ્મોકિંગ કોન, 1800 નંગ રોલિંગ પેપર્સ, 88 નંગ ફિલ્ટર ટીપ્સ, 88 નંગ ક્રસિંગ ટ્રે સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પણ વાંચો :અરજદારોને કચેરીમાં ‘ફોગટફેરા’ કરાવતી રાજકોટ મનપા : કાર્યક્રમ યોજવામાં ઉસ્તાદ મહાપાલિકા લોકોને સામાન્ય સુવિધા આપવામાં વામન
આ ઉપરાંત ભક્તિનગર પોલીસે કોઠારિયા કોલોની બગીચાની સામે ગોપાલ પાનમાંથી 32 નંગ ગોગો સાથે નરેન્દ્ર લક્ષ્મણભાઈ જાનીયાણી, રામનાથપરા જૂમ્મા મસ્જિદ પાસેથી 34 નંગ ગોગો સાથે રહીશઅહેમદ જીલાણી કાદરી અને સેટેલાઈટ ચોક પાસે ત્રિશુલ પાનમાંથી 40 નંગ સ્મોકિંગ રોલની પટ્ટી સાથે ભાવેશ સુરેશભાઈ બથવારની ધરપકડ કરી હતી.
ગ્રામ્ય એસઓજીએ જસદણની છત્રીબજારમાં શાહનવાઝ ઉર્ફે સોનુ હારૂનભાઈ આકબાણીની પાનની દુકાનમાંથી રોલિંગ પેપર અને શાપર વેરાવળમાં કરુણાકર અમુલ્યકુમાર બહેરાના પાનના ગલ્લામાંથી ગોગોનો જથ્થો કબજે કર્યો હતો.
