મોરબીની વિવાદાસ્પદ વિભૂતિ સહિત ચાર શખ્સોની અંતે ધરપકડ
દલિત યુવાનને પગારના બદલે પગરખા મોઢા લેવડાવનાર
કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવીતા ભીંસ વધતાં પોલીસ શરણે
મોરબીમાં રહેતા દલિત યુવકે 15 દિવસનો બાકી પગાર માગતા રાણીબા ઇન્ડસ્ટ્રીઝના સંચાલક અને તેના ભાઈ સહિતના લોકોએ બેરહેમી પૂર્વક મારમારી અને પગરખા મોઢા લેવડાવીને માફી મગાવી વિડીયો બનાવ્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો. મામલે યુવકે રાણીબા તેનો ભાઈ ઓમ પટેલ તથા રાજ પટેલ, પરીક્ષિત અને ડી. ડી. રબારી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો.
ફરિયાદ નોંધાયા બાદ ભીંસ પડતાં વિવાદાસ્પદ રાણીબા સહિતની ટોળકી ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી અને મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતું કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દેતા અંતે વિભૂતિ સાથે ઓમ પટેલ,રાજ પટેલ અને ડી. ડી. રબારી પોલીસ શરણે થતાં તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દલિત યુવક પર અત્યાચારની ઘટના સામે આવતા દલિત સમાજ રોષ ભરાયો હતો અને મોરબી ક્લેક્ટર કચેરી ખાતે વિરોધ કર્યો હતો. સાથે જ આરોપીને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. પોલીસે વિભૂતિ ઉર્ફે રાણી સામે લૂંટ તેમજ તલવારથી કેક કાપવા અંગે બે ગુના નોંધ્યા હતા. આ કેસમાં ધરપકડથી બચવા માટે વિવાદસ્પદ વિભૂતિ ઉર્ફે રાણીબાએ મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતું કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.
ભીંસ વધતાં રાણીબા અને તેની ટોળકી ભુગર્ભમાં ઉતરી ગઈ હતી. મોરબી પોલીસે ત્રણ ટીમ બનાવીને રાણીબા ઈન્ડસ્ટ્રીઝ સહિતના તેના આશ્રય સ્થાનો ઉપર દરોડા પાડી તપાસ કરી હતી. અંતે આ ચકચારીત કેસમાં વિવાદાસ્પદ વિભૂતિ ઉર્ફે રાણીબા સાથે રાજ પટેલ અને ઓમ પટેલ અને ડી. ડી. રબારીની પણ ધરકડ કરી છે. હવે આ ચકચારી કેસમાં પોલીસ આરોપીની પુછપરછ કરીને આગળની વધુ કાર્યવાહી કરશે.