રાજકોટમાં કૌટુંબિક દિયરનું ભાભી પર દુષ્કર્મ : પતિને ધમકી આપતા તેને આપઘાત કરી લીધો
મવડી ગામમાં રહેતાં ભાઈની ઘરે મહેમાન ગતિ કરવાં આવેલા ભુજ શખસે ભાભી પર નજર બગાડી : ધમકી આપી છરીની અણીએ અનેક વાર દેહ ચૂંથ્યો : મહિલાને પરિવાર સાથે ભુજ બોલાવી પતિ અને સસરાને માર મારી ભગાડી દીધા:પતિએ નરાધમના ડરથી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું
રાજકોટમાં મવડીગામ વિસ્તારમાં રહેતી પરિણીતા પર કૌટુંબિક દિયરે વારંવાર દુષ્કર્મ આચરતાં તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. ભુજ રહેતો શખ્સ મવડી ગામમાં રહેતાં ભાઈની ઘરે મહેમાન ગતિ કરવાં આવ્યો અને ભાભી પર નજર બગાડી અનેક વાર દુષ્કર્મ ગુંજાર્યું હતું.મહિલાએ પતિને જાણ કરતાં તેને નરાધમના ડરથી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.જ્યારે આ મામલે તાલુકા પોલીસે મહિલાની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
બનાવ અંગે મળતી માહિતી મુજબ મવડી ગામ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે શંકર પરમાર (રહે. ભુજ) નું નામ આપતાં જણાવ્યું હતું કે,ગત તા. 05-09 ના ભુજ રહેતા તેમના કાકાજી સસરાનો પુત્ર શંકર પરમાર તેણીના ઘરે મહેમાનગતિ કરવાં માટે આવ્યો હતો. ત્યારે તેણી એકલી હતી.આરોપીએ નજર બગાડી છરી બતાવી તેણી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેણીએ પ્રતિકાર કરતાં તે ભાગી ગયો હતો અને સાથે સાથે જો આ વાત કોઈને કહીશ તો તારા બાળકો અને પતિને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતો ગયો હતો. જેથી તેણીએ ડરથી કોઈને વાત કરી ન હતી.થોડાં દિવસ બાદ આરોપીએ ફરિયાદીના પતિને ફોન કરી ભુજ તેમના ઘરે મહેમાનગતિ કરવાં માટે બોલાવ્યાં હતાં. જેથી તેણી તેના પતિ અને સસરા સાથે ગત તા.31-10 ના ભુજ આરોપીના ઘરે ગયાં હતાં. ત્યાં આરોપીએ મોડી રાતે તેમના પતિ અને સસરાને બેફામ મારમાર્યો હતો. તેણીએ પતિ અને સસરાને બચાવવા જતાં તેણીને પણ મારમારતાં બેભાન થઈ ઢળી પડી હતી.અને આરોપીએ મહિલાના પતિ અને સસરાને મહુવા પંથકમાં મોકલી દિધા હતા.
બાદમાં બીજા દિવસે આરોપીએ ફરીવાર છરી બતાવી મારકૂટ કરી દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ તે ત્યાંથી ભાગીને પોતાના સાસરિયે પહોંચી હતી.તેમના પતિને અવારનવાર આરોપી ફોન કરી તારી પત્નીને ગમે ત્યાં છુપાવી દે પરંતુ હું તેને લઈ જઈશ તેવી ધમકી આપતો હતો. આરોપીએ પતિને ફોન કરી અવારનવાર ધમકી આપતાં તેને ધમકીથી કંટાળી પાંચ દિવસ પહેલાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.જેથી કંટાળીને મહિલાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ ડી.એમ.હરિપરાએ ગુનો નોંધ્યો હતો.તેમજ પીએસઆઇ એલ.બી.ડીંડોર અને ટીમે શંકર પરમારને પકડી પડવા ચક્રો ગતિમાન કર્યા છે.