રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છની ICICI બેન્કમાં 7.92 લાખની નકલી નોટો જમા કરાઈ
વર્ષ 2021થી 2024સુધીમાં અજાણ્યા શખસો બે હજાર,પાંચસો, બસો, સો અને પચાસના દરની 2247
નકલી નોટ ડિપોઝિટ કરી ગયા : મોરબી રોડ પર આવેલી ICICI કરન્સી ચેસ્ટ બેંકમાં તપાસ દરમ્યાન ખૂલ્યું : બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો
શહેરની બેકોમાં અવાર-નવાર નકલી ચલણી નોટો ઘુસાડી દેવામાં આવતી હોય છે. દરમિયાન મોરબી રોડ પર આવેલી ICICI કરન્સી ચેસ્ટ બેંકમાં સૌરાષ્ટ્ર-કચ્છની શાખાઓમાંથી વર્ષ 2021થી 2024સુધીમાં આવેલી ચલણી નોટોની તપાસણી થતાં તેમાંથી હજારો નકલી નોટો નીકળી પડી હતી. જેમાં પાંચસો, બસો, સો, પચાસની ઉપરાંત બે હજારના દરની નકલી નોટો મળી કુલ રૂ.7.92 લાખની નકલી નોટ નીકળતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે.
વિગત મુજબ રૈયા રોડ વૈશાલીનગર-૬માં રહેતાં અને મોરબી રોડ પર આવેલી આઇસીઆઇસીઆઇ બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતાં સંદિપભાઈ ગુણવતભાઈ ગઢેચા (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી મોરબી રોડની આઇસીઆઈસીઆઈ બેકમાં નાણા જમા કરાવી જનારા ગ્રાહકો અને અજાણ્યા વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.આ બ્રાંચમાં સૌરાષ્ટ્ર-કચ્છની તમામ આઇસીઆઇસીઆઇ કરન્સી ચેસ્ટ બેંકની તમામ શાખાઓની જે નોટો આવે છે તે અહિ મશીન દ્વારા ચેક થાય છે. જેમાં બનાવટી નોટો ભરણામાં આવી હોય તો તે શોધી કાઢાય છે. આ અંગેની તપાસણી કરવાનું કામ તેઓનું છે. જો બનાવટી નોટો નીકળે તો પોલીસ અધિક્ષક કે પોલીસ કમિશનરને જાણ કરવાની હોય છે.
શાખામાં એપ્રિલ-2021થી સપ્ટેમ્બર-2024 સુધીમાં અલગ અલગ દરની ચલણી નોટો અલગ અલગ કરન્સી ચેસ્ટ શાખાઓમાંથી આવી હતી. જેની તપાસ કરી સારી નોટો હોય તેના બંડલ કરી ફરી બ્રાંચોમાં મોકલવાની અને ખરાબ નોટો હોય તો આરબીઆઈના નિયમ મુજબ આરબીઆઈમાં મોકલવાની કાર્યવાહી થઈ હતી. જેમાં મોરબી રોડ શાખામાં તથા સૌરાષ્ટ્ર કચ્છની તમામ શાખાઓમાંથી આવેલી નોટોની તપાસ કરતાં કુલ 2247 નકલી ચલણી નોટો મળી આવી હતી.જેમાં 2000 રૂપિયાના દરની 13 નોટો, રૂપિયા 500ના દરની 674 નોટો, રૂ. 200ના દરની 444 નોટો, રૂ.100ના દરની 947 નોટો, રૂપિયા 50ના દરની 47નોટો નકલી હતી. આમ કુલ રૂ. 7,92,850ની નકલી ચલણીનોટો કોઇએ ખોટી હોવાનું જાણવા છતાં બેંકોના ભરણામાં ઘુસાડી દીધી હોઇ નિયમ મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે બી-ડિવીઝન પીઆઇ એસ.એસ.રાણેએ ગુનો દાખલ કરી આગળની તપાસ એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ સી.એચ.જાદવ દ્વારા કરવામાં આવી રહી છે.