નડિયાદમાં ૫૦,૧૦૦ અને ૫૦૦ની નકલી નોટ છાપવાનું કારખાનુ પકડાયુ
1 લાખથી વધુની નકલી નોટો અને મશીનરી સાથે બે લોકોની ધરપકડ
નડિયાદમાં નકલી નોટો છાપવાની ફેક્ટરી ઝડપાતા ભારે ચકચાર જાગી છે. ખેડા એસઓજી પોલીસે પ્રિન્ટર, નકલી ચલણી નોટો છાપવાના સાધનો અને 1 લાખથી વધુની નકલી નોટો સાથે બે લોકોની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરના ભરવાડ વિસ્તારમાં ધુપેલીના સ્લોટમાં નકલી નોટો છાપવાની ફેક્ટરી ચાલી રહી હતી. આ અંગેની માહિતી મળતા એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં મહંમદ શરીફ ઉર્ફે શાહુ મહેબુબભાઈ મલેક અને અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઈ અલાદની ધરપકડ કરવામાં આવી છે. આ બંને યુવકો 100, 200 અને 500 રૂપિયાની નકલી નોટો છાપતા હતા.
પોલીસને એક પ્રિન્ટર પણ મળી આવ્યું હતું અને જુદા જુદા દરની આ નોટોની થોકડીઓ મળી આવી હતી. જેથી પોલીસે FSL અને બેંક અધિકારીને ખરાઈ કરવા બોલાવતા આ તમામ નોટો નકલી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 500ના દરની કુલ 135 નંગ નોટ, 200ના દરની 168 નંગ નોટ અને 100ના દરની 25 નંગ મળી કુલ 328 નોટો બનાવટી કુલ કિંમત રૂપિયા 1 લાખ 3 હજાર 600ની મળી આવી હતી. આ નકલી ચલણી નોટો ક્યારથી બનાવતા હતા અને બજારમાં ફરતી કરી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ઉપરોક્ત બંને ઈસમો સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા કાર્યવાહી કરશે.