ઘંટેશ્વર પાસે પૂર્વ ગર્લફ્રેન્ડના પ્રેમીનો યુવક પર જીવલેણ હુમલો
‘મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ સબંધ રાખે છે’ કહીં છરી-પાઇપ વડે તૂટી પડ્યો : યુવકની આંગળી કાપી નાખી માથામાં પાઇપ મારી હેમરેજ કરી નાખતા હત્યાની કોશિશનો નોંધાતો ગુનો
ઘંટેશ્વર એસઆરપી કેમ્પ નજીક રહેતા અને ડેકોરેશનનું કામ કરનાર યુવાન પર ઘર નજીક સમી સાંજના તેની પૂર્વ ગર્લફ્રેન્ડના પ્રેમીએ યુવતી સાથે ફ્રેન્ડશીપ રાખવા બાબતેનો ખાર રાખીને પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો.જેમાં યુવાનની આંગળી કપાઇ ગઇ હતી અને માથામાં પાઇપના ઘા ફટકાર્યા હોય હેમરેજની અસર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.આ મામલે યુનિવર્સીટી પોલીસે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વિગતો મુજબ, મૂળ ઉનાના ખાણ ગામના વતની અને હાલ રાજકોટમાં ઘંટેશ્વર બ્લોક નં.૪૪/૫૧૮ નવા ૧૫૦ ફૂટ રીંગરોડ પર ફઈના ઘરે રહેતા અને લગ્ન-પ્રસંગમાં ડેકોરશનનું કામ કરનાર રોહન ખેતાભાઇ બારૈયા(ઉવ ૨૧) નામના યુવાને યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જિલ્લા ગાર્ડન ચોક પાસે રહેતા પ્રકાશ ઉર્ફે જેનીશ સુર્દશનભાઇ સોલંકીનું નામ આપતા જણાવ્યું હતું કે,આજથી અહી વર્ષ પૂર્વે તેને યુવતી સાથે ફ્રેન્ડશીપ હતી.જે સંબંધો યુવાને છેલ્લા દોઢ વર્ષથી મૂકી દીધા છે.બાદમાં યુવાનને આ યુવતીના મેસેજ આવતા પણ તે કોઇ જવાબ આપતો ન હતો.
ત્યારે રવિવારના સાંજે તે એસઆરપી કેમ્પ તરફ જતા રોડ પર મોમાઈ હોટલ નજીક ખુલ્લી જગ્યામાં લઘુશંકા કરવા માટે ગયો હતો.ત્યારે આરોપી પ્રકાશ ઉર્ફે જેનીશે આવી યુવાનને માથામાં પાઇપના બે ઘા ફટકારી દેતા યુવાનને ચક્કર આવતા તે અહીં પડી ગયો હતો.ઉભો થઇ ભાગવા જતા પ્રકાશે પાઇપના આડેધડ ઘા ફટકાર્યા હતાં.બાદમાં તેણે છરી કાઢી મારવા જતા યુવાને હાથ આડો રાખતા તેની આંગળી કપાઇ ગઇ હતી જેથી લોહીલુહાણ હાલતમાં તેને સારવાર અર્થે ખસેડ્યો હતો.જેથી આ મામલે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.આર.રત્નુએ પ્રકાશ ઉર્ફે જેનીશ સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ કરી છે.