BCAના વિદ્યાર્થી પાસેથી પકડાયું ૯.૮૫ લાખનું ડ્રગ્સ
અત્યાર સુધી રાજકોટમાંથી જ ખરીદી કરીને છૂટક-છૂટક વેચ્યા બાદ ગ્રાહક' વધુ મળતાં મુંબઈથી
માલ’ મંગાવ્યો’ને પકડાયા
નિવૃત્ત શિક્ષકના પુત્રનું કારસ્તાન: હિસ્ટ્રિશીટરનો પુત્ર પણ દબોચાયો
રાજકોટ એસઓજીને ડ્રગ્સનું નેટવર્ક ભેદવામાં મોટી સફળતા સાંપડતાં એમડી ડ્રગ્સ સાથે બીસીએના વિદ્યાર્થી અને તેના સાગ્રીતને દબોચી લીધા છે. આ બન્ને પાસેથી ૯૮.૫૪ ગ્રામ ડ્રગ્સ, બે આઈફોન સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે.
એસઓજી પીઆઈ જે.એમ.કૈલાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ પ્રતાપસિંહ, ઉપેન્દ્રસિંહ ઝાલા, હાર્દિકસિંહ પરમાર સહિતની ટીમે ૧૫૦ ફૂટ રિંગરોડ પર અમૃત સાગર પાર્ટી પ્લોટ પાસે આવેલા ભક્તિધામ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૧૯માં દરોડો પાડીને પાર્થ દેવકુભાઈ મકવાણા (ઉ.વ.૨૧) અને સાહિલ ઉર્ફે નવાબ અયુબભાઈ સોઢા (ઉ.વ.૨૪, રહે.ખોડિયારનગર, શેરી નં.૧૫)ને ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડ્યા છે.
પોલીસે દરોડો પાડ્યો તે ફ્લેટ પાર્થના પિતા દેવકુભાઈ મકવાણા કે જે નિવૃત્ત શિક્ષક છે તેના નામનો હોવાનું ખુલ્યું છે. આ બન્ને પાસેથી પ્લાસ્ટિકની નાની-નાની ૧૦૭ પડીકી પણ મળી આવી છે જેમાં ડ્રગ્સ ભરીને બંધાણીઓને વેચવાના હતા.
તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે પાર્થ અને સાહિલ બન્ને ડ્રગ્સના બંધાણી હોવાથી ગમે ત્યાંથી ડ્રગ્સ લઈ આવતા હતા. આ પછી પાર્થને ડ્રગ્સનું વેચાણ કરવાનો આઈડિયા આવતાં તેણે અહીંથી જ છૂટક છૂટક ડ્રગ્સ ખરીદીને વેચાણ કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લા છ મહિનાથી આ પ્રકારે ધંધો કર્યા બાદ ગ્રાહકોમાં વધારો થઈ જતાં બન્નેએ મુંબઈથી ડ્રગ્સ લેવાનું વિચાર્યું હતું.
બીજી બાજુ છ મહિના દરમિયાન વેચેલા ડ્રગ્સથી નફો કરેલા પૈસાથી જ મુંબઈથી ડ્રગ્સની ખરીદી હતી. જો કે મોટો જથ્થો રાજકોટ આવીને પડીકીમાં પેક થઈને વેચાય તે પહેલાં જ પોલીસે પકડી પાડ્યો છે. આ બન્ને અગાઉ ક્યારેય પોલીસના `રડાર’માં આવ્યા ન હોવાથી તેમને શોધવા માટે પોલીસે ખાસ્સી મહેનત પણ કરવી પડી હતી. એસઓજીએ ડ્રગ્સ, મોબાઈલ સહિતની ૧૦.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કરી મુંબઈના સપ્લાયરને દબોચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
બન્ને જીમના શોખીન: ૧ ગ્રામની પડીકી ૨૫૦૦માં વેચતા
પોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે ડ્રગ્સ સાથે પકડાયેલો પાર્થ અને સાહિલ બન્ને જીમના શોખીન છે. આ ઉપરાંત મોજશોખ કરવા ટેવાયેલા હોવાથી ડ્રગ્સનું વેચાણ કર્યા બાદ તેની કમાણીમાંથી જીમની ફી ઉપરાંત મોજશોખમાં પૈસા ઉડાડી દેતા હતા. આ બન્ને ડ્રગ્સની ૧ ગ્રામની પડીકી ૨૫૦૦ રૂપિયામાં વેચતા હોવાનું ખુલ્યું છે. એકંદરે બન્ને ટાઈટલ ક્લિયર' મતલબ કે અત્યાર સુધી પોલીસ ચોપડે ચડ્યા ન હોવાને કારણે છ મહિનાથી ડ્રગ્સ વેચાણમાં
પાવરધા’ બની ગયા હતા. આ બન્ને ડ્રગ્સના બંધાણી હોવાથી તેનું સેવન કરનારા ગ્રાહકો પણ તેમને મળવા લાગ્યા હતા.