ગોંડલ પાસે ચાલકે કાબૂ ગુમાવ્યો’ને કાર ડિવાઈડર કુદાવીને બીજી કાર સાથે અથડાઈ: ચારના મોત
ગોંડલ-ધોરાજીના ચાર યુવાનોના ઘટનાસ્થળે જ મોત: ડ્રાઈવરને ઝોલું આવી જતાં કારે કાબૂ ગુમાવ્યાની આશંકા
ગોંડલ નજીક નેશનલ હાઈ-વે પર દેવ સ્ટીલ નામના કારખાના પાસે વહેલી સવારે બે કાર ધડાકાભેર અથડાતાં ચાર યુવકના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા પ્રમાણે રાજકોટથી ધોરાજી જઈ રહેલી કારના ચાલકે ગોંડલ પાસે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં કાર ડિવાઈડર કૂદીને બીજા રસ્તા પર પહોંચી ગઈ હતી. બરાબર ત્યારે જ સામેથી આવી રહેલી એક કાર સાથે તેની અથડામણ થતાં આ ઘટના બનવા પામી હતી. વહેલી સવારે બનેલી આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો તેમજ પોલીસ સ્ટાફ દોડી ગયો હતો.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે રાજકોટથી ધોરાજી જઈ રહેલા વીરેન દેશુરભાઈ કરમટા અને સિદ્ધાર્થ કાચા સ્વિફ્ટ કાર નં.જીજે૩એલજી-૫૧૧૯માં પસાર થઈ રહ્યા હતા. આ કાર ગોંડલ નેશનલ હાઈ-વે પર દેવ સ્ટિલ નજીક પહોંચી બરાબર ત્યારે જ કારના ચાલકે કાબૂ ગુમાવી દેતાં કાર ડિવાઈડર કૂદાવી ગઈ હતી. આ વેળાએ ગોંડલની સાંઢિયા પુલ ચોકડીથી ગુંદાળા ચોકડી તરફ જતી બોલેરો કાર જીજે૩એમએલ-૨૪૪૪ સાથે અથડાઈ હતી. બોલેરો કારમાં ગોંડલના સિદ્ધરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૩૫) અને ક્રિપાલસિંહ હરભમસિંહ જાડેજા (ઉ.વ.૩૯) બેઠા હતા. જો કે અકસ્માત એટલો ભયંકર હતો કે કારના ફુરચા બોલી ગયા હતા અને ચારેય યુવાનોના ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી જવા પામ્યા હતા.
પોલીસ તપાસમાં ખુલ્યા પ્રમાણે બોલેરોમાં બેઠેલા ક્રિપાલસિંહ અપરિણીત હતી અને ત્રણ ભાઈમાં છેલ્લા નંબરના હતા. ક્રિપાલસિંહના માતાનું ચાર મહિના પહેલાં નિધન થયું હતું તો ગત વર્ષે તેમના ભાઈનું પણ મૃત્યુ થયું હતું.
મૃતક વિરેનનું જન્મદિવસે જ પ્રાણપંખેરું ઉડી ગયું !
ગોંડલ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં મુળ ધોરાજીના વિરેન દેશુરભાઈ કરમટાનું મોત થયું હતું. જાણવા મળ્યા પ્રમાણે વિરેનને જન્મદિવસે જ કાળ આંબી ગયો હતો. તે ધો.૧૨માં અભ્યાસ કરી પોતાનું કરિયર બનાવી રહ્યો હતો. જ્યારે કારમાં તેની સાથે સામેલ સિદ્ધાર્થ કાચા મુળ ધોરાજીનો છે અને હાલ જૂનાગઢમાં રહીને ફર્નિચરનું કામ કરી રહ્યો હતો. સિદ્ધાર્થ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો જેનું અકસ્માતે મોત થતાં પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું.
સ્વિફ્ટ કાર ૨૦ ફૂટ ઉંચે ઉછળી, એન્જિન છૂટું પડી ગયું: સિદ્ધાર્થ ગાડી ચલાવતો’તો
પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે મૃતક સિદ્ધાર્થ સ્વિફ્ટ કાર ચલાવી રહ્યો હતો પરંતુ તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર ડિવાઈડર સાથે અથડાઈને ૨૦ ફૂટ ઉંચે ઉછળી હતી અને તેના કારણે કારનું એન્જિન પણ છૂટું પડી જવા પામ્યું હતું.
બે મિત્રો નાસ્તો કરવા ગયા’ને મળ્યું મોત
બોલેરો નં.જીજે૩એમએલ-૨૪૪૪ના ચાલક સિદ્ધરાજસિંહ ઝાલા અને ક્રિપાલસિંહ જાડેજા રાત્રે ૩:૩૦ વાગ્યે હાઈ-વે પર ગાડી લઈને નાસ્તો કરવા નીકળ્યા હતા. આ બન્નેને સવારે સુરેશ્વર મંદિરે વહેલી સવારની આરતીમાં સામેલ થવાનું હોય તેઓ મોડીરાત સુધી જાગી રહ્યા હતા અને નાસ્તો કરવા નીકળતાં જ મોત મળ્યું હતું.