બસમાં ‘કોઈ’ બિસ્કિટ ખવડાવે તો ખાતાં નહીં !
રાજકોટથી સુરત, અમદાવાદ, સુરતથી અમદાવાદ, ભાવનગર જતી બસમાં બેઠેલા ૯ મુસાફરોને ઘેનની દવાવાળું બિસ્કિટ ખવડાવી ૮૫,૦૦૦ રોકડ, ૭ ચેઈન, ૫ વીંટી ચોરી લેનાર ભેજાબાજ પકડાયો
ત્રણ લોકોને ગ્રીનલેન્ડ ચોકડીએથી ઉપડનારી બસમાં બેસીને લૂંટ્યા'તા: ડીસીબીએ કપડાંના
રીઢા’ વેપારીને દબોચ્યો
રાજકોટથી સુરત, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો ખાનગી તેમજ એસટીની બસમાં જતા હોય છે. મુસાફરી દરમિયાન બાજુમાં બેઠેલા પેસેન્જર સાથે વાતચીત દરમિયાન મીત્રતા પણ થઈ જતી હોય છે. જો કે બધા જ મુસાફરો સરખા હોતા નથી તેમ અમુક અવળચંડા તત્ત્વો એવા પણ હોય છે જેઓ મુસાફરને લૂંટવાની જ ફિરાકમાં હોય છે. આવો જ એક તસ્કર ડીસીબીએ પકડી પાડ્યો છે જે દવાયુક્ત બિસ્કિટ ખવડાવીને મુસાફરને બેભાન કરી તેના શરીરેથી ચેઈન-વીંટી તેમજ ખીસ્સામાંથી રોકડ સેરવી લેતો હતો. આ શખ્સે અત્યાર સુધીમાં ૯ લોકોને બેભાન કરી ૮૫,૦૦૦ની રોકડ, ૭ ચેઈન અને ૫ વીંટી ચોરી કર્યા હોવાની કબૂલાત આપી છે.
ડીસીબી પીઆઈ એમ.આર.ગોંડલિયા, એમ.એન.ડામોરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.ડી.ડોડિયાની ટીમે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી મહેન્દ્રસિંહ હરુભા ઉર્ફે હરીસિંહ ચુડાસમા (ઉ.વ.૪૫, રહે.ડાકોર, મુળ પોલારપુર-બોટાદ)ને રોકડ, ઉંઘની ગોળી, બિસ્કિટના પેકેટ સહિતના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો.
મહેન્દ્રસિંહ ઉર્ફે હરુભાની આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે ત્રણ વર્ષની અંદર તેણે અલગ-અલગ બસમાં ૯ લોકોને શિકાર બનાવ્યા હતા. ત્રણ વર્ષ પહેલાં ગ્રીનલેન્ડ ચોકડીથી સુરત જતી ખાનગી બસમાં ૪૦ વર્ષના યુવકને ઘેની બિસ્કિટ ખવડાવી સોનાનો ચેઈન-વીંટી તેમજ ૪,૦૦૦ની રોકડ ચોરી કરી હતી.
આ પછી આઠ મહિના પહેલાં ગ્રીનલેન્ડ ચોકડીથી સુરત જતી બસમાં એક મુસાફરનો સોનાનો ચેઈન-વીંટી તેમજ ૩૦૦૦ રોકડ, સાત મહિના પહેલા સુરત, કામરેજ રાધેશ્યામ સર્કલથી અમદાવાદ જતી બસમાં બેઠેલા મુસાફરનો સોનાનો ચેઈન, નવ મહિના પહેલાં અમદાવાદથી રાજકોટ આવતી બસના મુસાફર પાસેથી ૨૫,૦૦૦, દશ મહિના પહેલાં ગ્રીનલેન્ડ ચોકડીથી સુરત જતીબ સના મુસાફર પાસેથી ૧૫,૦૦૦, એક વર્ષ પહેલાં સુરત શ્યામધામ સર્કલથી ભાવનગર-તળાજા જતી બસમાંથી મુસાફરનો સોનાનો ચેઈન-બે વીંટી તેમજ ૩,૦૦૦ની રોકડ, સવા વર્ષ પહેલાં અમદાવાદ ગીતામંદિર એસટી ડેપોથી વડોદરા જતી બસમાંથી સોનાનો ચેઈન-૧૮,૦૦૦ રોકડા, દોઢ વર્ષ પહેલાં સુરતના કામરેજ શ્યામધામ સર્કલથી અમદાવાદ જતી બસમાં પેસેન્જરનો સોનાનો ચેઈન-વીંટી, લક્કી તેમજ ૧૨,૦૦૦ રોકડ અને દોઢ વર્ષ પહેલાં સુરતથી અમદાવાદની બસમાં મુસાફરનો સોનાનો ચેઈન અને ૫,૦૦૦ રોકડા ચોરી કર્યા હતા.
સોનાનો ચેઈન-વીંટી પહેરેલી જૂએ એટલે તેનો કરતો પહેલો શિકાર'
મહેન્દ્રસિંહ હરુભા ઉર્ફે હરિસિંહ ચુડાસમા મોટા ભાગે સ્લિપર કોચમાં મુસાફરી કરતો અને તેમાં પણ ખાસ કરીને સોફા મતલબ કે એક સીટમાં બે લોકો સૂઈ શકે તેવી સીટ જ પસંદ કરતો હતો. આ પછી બાજુમાં મુસાફર આવે એટલે પ્રથમ તો તેણે હાથ-ગળામાં શું પહેર્યું છે તેના પર નજર રાખતો અને સોનાનો ચેઈન-વીંટી જુએ એટલે તુરંત જ તેનો
શિકાર’ કરવાની તૈયારી કરી લેતો હતો !
કેવી રીતે આપતો કારસ્તાનને અંજામ ?
મહેન્દ્રસિંહ કોઈ પણ બસ સ્ટોપ પાસે ટ્રાવેલ્સમાં મુસાફરો સાથે સસ્તા ભાડાની વાત કરી તેની સાથે મીત્રતા કેળવી લીધો હતો. આ પછી જેવો પરિચય કેળવાય એટલે નાસ્તો કરવાનો આગ્રહ કરતો હતો. કોઈ સ્થળે બસ હોલ્ટ કરે એટલે તે નીચે ઉતરીને ગાંઠિયા સહિતનો નાસ્તો લઈ આવતો. આ પછી પોતાની પાસે પહેલાંથી જ ક્રિમવાળું બિસ્કિટ પણ રાખેલું જ હોય એટલા માટે મુસાફરને આગ્રહ કરતો હતો. મુસાફર જેવો બિસ્કિટ લેવા માટે તૈયાર થાય એટલે તેણે અગાઉથી જ દવા લગાવેલું બિસ્કિટ જે પેકટની ઉપર જ રહેતું તે ખવડાવી દેતો હતો.
ઘેનયુક્ત દવા ખાનારા તમામ લોકોને હોસ્પિટલમાં કરવા પડ્યા હતા દાખલ
તસ્કરે નવેક જેટલા મુસાફરોને `ટેક્સીના-૨ ટેબ્લેટ’ નામની ઘેનયુક્ત દવાવાળું બિસ્ટિક ખવડાવી દેતો હતો. જેવું આ બિસ્ટિક ખાય એટલે મુસાફરને તુરંત જ ઉંઘ આવી જતી હતી અને મહેન્દ્રસિંહ આરામથી ચોરીને અંજામ આપીને ફરાર થઈ જતો હતો. બીજી બાજુ જે મુસાફરે આ બિસ્કિટ ખાધું હોય તે કાં તો ત્રણ દિવસે ભાનમાં આવતો અથવા તો હોસ્પિટલમાં દાખલ કરવો પડતો હતો. મહેન્દ્રસિંહ જેટલાને બેભાન કર્યા છે તે તમામને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હોવાનું જાણવા મળી રહ્યું છે.
તમે તો ભારે માનમોંઘા કહીને બિસ્કિટ ખવડાવી જ દેતો
સામાન્ય રીતે કોઈ અજાણ્યા શખ્સ પાસેથી બિસ્કિટ સહિતની વસ્તુ લેવાનું મુસાફરો ટાળતાં હોય છે પરંતુ મહેન્દ્રસિંહ એવો મીઠોબોલો હતો કે તેની વાતમાં લોકો આવી જતા હતા. ખાસ કરીને મહેન્દ્રસિંહ બાજુમાં બેઠેલા પેસેન્જરને `તમે તો ભારે માનમોંઘા’ કહીને વાતમાં ભોળવી દેતો અને પોતાની પાસે રહેલું બિસ્કિટ ખવડાવી જ દેતો હતો.
સુરતથી રાજકોટ આવ્યો પણ કારી ન ફાવતાં ફરી સુરતની બસમાં બેસી ચોરી કરવાની ફિરાકમાં હતો
તસ્કર સુરતથી રાજકોટ સુધી ચોરી કરવાની તૈયારી સાથે આવ્યો હતો પરંતુ તેની કારી ન ફાવતાં તે ગ્રીનલેન્ડ ચોકડીએથી ફરી મુસાફરની શોધમાં હતો. જો કે તે પહેલાં જ પોલીસે તેને દબોચી લીધો હતો. મહેન્દ્રસિંહના કબજામાંથી ઘેની દવા, બિસ્કિટના પેકેટ સહિતનું મળી આવ્યું હતું.