ત્રણ વર્ષ પૂર્વે પડધરીના બનાવમાં સ્પે. પોકસો કોર્ટેનો ચુકાદો
પડધરીમાં 12 વર્ષની ધર્મની માનેલી ભાણેજ પર ત્રણ વર્ષ પૂર્વે દુષ્કર્મ ગુજારનાર ધર્મના માનેલ મામા અંકીત શૈલેષભાઇ દેશાણીને કોર્ટે આજીવન કેદ સજા ફટકારી છે. ધર્મનો મામો ભાણેજને હોસ્પિટલમાં ડ્રેસિંગ કરાવવા લઈ ગયા બાદ પડધરીમાં એક ખંઢેરમાં લઇ જઈ દુષ્કર્મ આચરી ધમકી આપી હતી.
પડધરી ધર્મશાળા ચોકમાં રહેતા અંકીત શૈલેષભાઇ દેશાણીએ 12 વર્ષની ધર્મની માનેલી ભાણેજ ને ઘરે હતી ત્યારે તારા મમ્મીએ મને તારા પગમાં ડ્રેસિંગ કરાવવા દવાખાને લઈ જવા માટે કહેલ છે. મારી સાથે ચાલ. તેમ કહી સગીરાને તેની સાથે દવાખાને લઈ જઈ માનવતા હોસ્પિટલ પડધરીમાં ડ્રેસિંગ કરાવી પાછા ઘરે જતા હતા ત્યારે આરોપીએ સગીરાને પડધરીમાં આવેલ નદી કાંઠે મસ્જીદના પાછળના ભાગે જુનો ગઢ આવેલ હોય લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. અને કોઇને કહીશ તો તારી બેન સાથે પણ આવુ જ કરીશ. અને તમને બધાને મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
કોર્ટમાં સરકારી વકીલે મદદ કરવાના બહાને આરોપીએ આ કૃત્ય આચર્યું છે. સમાજમાં દાખલો બેસાડવા આરોપીને સજા કરવા દલીલ થઈ હતી. જે દલીલો ધ્યાને લઇ સ્પે. પોકસો કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એસ.કે. વોરા અને મદદનીશ સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલા હતા.
