ગત વર્ષે 12 ડિસેમ્બર-2024ના ધોરાજી મામલતદાર-એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ-ધોરાજી દ્વારા ભૂતવડ ગામના હાઈ-વે ઉપરના પાટિયાથી ભૂતવડ ગામ જવાના રસ્તે દરોડો પાડી 8000 લીટર બાયોડિઝલ જપ્ત કર્યું હતું જે મામલામાં ત્રણ શખ્સો સામે ચાર મહિને ગુનો નોંધાયો હતો.
આ અંગે મામલતદાર રાજેન્દ્રકુમાર કેશવલાલ પંચાલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ભૂતવડ ગામ જવાના રસ્તે અંદાજે એક કિલોમીટર અંદર ડાબી બાજુ નીચે ઉતરતા ગુરુકૃપા ઈન્ડસ્ટ્રીઝ અને જયશ્રી ખોડિયાર બાગ પાસે આયશર નં.જીજે1જેટી-1224માંથી સ્વાતિ ટ્રાવેલ્સની બસ નં.જીજે3બીટી-4160માં બાયોડિઝલ પૂરવામાં આવતું હતું. આ પછી બાયોડિઝલનું ફ્યુલિંગ કરી રહેલા રાકેશ જેન્તીભાઈ સોજીત્રાના કબજાવાળા આયશરચાલકની અટકાયત કરી બાયોડિઝલ વેચવાનું લાયસન્સ સહિતના પૂરાવા માંગતા તેની પાસે કશું જ મળી આવ્યું ન્હોતું. આ કાર્યવાહી 12-12-2024ના કરવામાં આવી હતી.
જ્યારે બસના માલિક બિન્ટુકુમાર બાબુભાઈ મવાણી અને આઈશરના માલિક ઘનશ્યામ લાવડિયા હોવાનું સામે આવ્યું હતું.ત્યારબાદ બાયોડિઝલ તેમજ વાહન સહિત 16 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ અંગેનો એફએસએલ રિપોર્ટ આવી જતાં તેમાં બાયોડિઝલમાં ભેળસેળ કરીને વેચવામાં આવતું હોવાનો ખુલાસો થતાં ત્રણ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.