આટકોટમાં પકડાયેલા 450 લિટર બાયો ડીઝલ મામલે હોટલ માલિક સામે ગુનો નોંધાયો
એક વર્ષ પૂર્વે પુરવઠા વિભાગે દરોડો પાડ્યો’તો : રિપોર્ટ આવતા મામલતદારે ગુનો નોંધાવ્યો
રાજકોટ જીલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલના કરોબાર ઉપર રોક લગાવવા રાજકોટ ગ્રામ્ય પોલીસ અને પુરવઠા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે ત્યારે પુરવઠા વિભાગે એક વર્ષ પૂર્વે ભાવનગર રાજકોટ હાઈવે પાવર હાઉસની બાજુમાં બળધોઈ ડુંગર સામે આવેલ કવિરાજ હોટલની પાછળના ભાગે આવેલ એક પતરાના શેડવાળી ઓરડીમા ધમધમતા બાયો ડીઝલના કાળા કારોબાર પર પોલીસે દરોડો પાડી 450 લિટર બાયો ડીઝલ પકડયું હતું.જે મામલે રિપોર્ટ આવ્યા બાદ હોટલ માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
માહિતી મુજબ જસદણ તાલુકાના મામલતદાર આઈ.જી.ઝાલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં બળધોય ડુંગર સામે આવેલ કવિરાજ હોટલના માલિક રાણાભાઈ નકાભાઈ માવલીયા (રહે.જસદણ,વિંછીયા રોડ)નું નામ આપતા જણાવ્યું હતું કે,તા.29-02-2024ના પુરવઠા વિભાગ દ્વારા જસદણ તાલુકાના ભાવનગર રાજકોટ હાઇ-વે.પાવર હાઉસની બાજુમાં બળધોઈ ડુંગરની સામે આવેલ કવિરાજ હોટલની પાછળના ભાગે આવેલ એક પતરાના શેડવાળા બાંધકામની બાજુમાં થતાં બાયોડિઝલના વેચાણ થતું હોવાથી દરોડો પડ્યો હતો.અને સ્થળ પરથી ત્રણ પ્લાસ્ટીકના બેરલમાંથી અંદાજે 450 લિટર બાયોડિઝાલ કબેજ કર્યું હતું.અને બાદમાં આ પ્રવાહીના નમુનાઓ પૃથ્થકરણ માટે ગાંધીનગર મોકલ્યા હતા.જેનો રિપોર્ટ ગઇકાલે આવતા તે બાયોડિઝલ હોવાનું ખૂલતાં પોલીસે હોટલ માલિક સામે ગુનો નોંધ્યો છે.