પાગલ પ્રેમીએ પ્રેમિકાને છરીના પાંચ ઘા માર્યા, પોતે પણ પેટમાં છરી હુલાવી દીધી
મારી નહીં તો કોઈની નહીં, તું નહીં તો હું પણ નહીં જેવો કિસ્સો…
છ વર્ષથી બન્ને પ્રેમસંબંધમાં હતા; જો કે યુવતીની સગાઈ બીજે થઈ જતાં રોષે ભરાઈને તૂટી પડ્યો
જંગલેશ્વર મેઈન રોડ ઉપર ઝમઝમ ચોક પાસે સવારે ૧૧ વાગ્યે પાગલ પ્રેમીએ પ્રેમિકાને છરીના પાંચ ઘા માર્યા બાદ એ જ છરી પોતાના પેટ ઉપર પણ હુલાવી દેતાં બન્નેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

આ અંગે ઘાયલ યુવતીની બહેન રેખાબેન અજયભાઈ ભોજૈયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે અને તેની બહેન ભારતી ઝમઝમ ચોક પાસે લેઉવા પટેલ સોસાયટી શેરી નં.૧ના ખૂણે મચ્છીનો થડો રાખી મચ્છી વેચવાનો ધંધો કરે છે. દરમિયાન બુધવારે સવારે સાત વાગ્યે તે ભારતી સાથે મચ્છી વેચવા માટે આવી હતી અને ૧૧ વાગ્યા સુધીમાં બધી મચ્છી વેચાઈ ગઈ હતી. આ પછી દુકાનનો સામાન સંકેલી લીધા બાદ સ્કૂટર થોડે દૂર પડ્યું હોય તે લેવા માટે ભારતીને મોકલી હતી પરંતુ થોડી જ વારમાં પટેલ સોસાયટી શેરી નં.૧ પાસે આવેલી દુકાન સામે લોકોનું ટોળું એકઠું થઈ જતાં રેખા દોડીને ત્યાં ગઈ હતી અને ત્યાં જોયું તો ભારતી લોહીલુહાણ હાલતમાં પડી હતી. ભારતીને પૂછવામાં આવતાં તેના પર છરીના ઘા સંજય વિનુભાઈ મકવાણાએ કર્યા હોવાનું કહ્યું હતું. ભારતી જ્યાં પડી હતી તેનાથી થોડે દૂર સંજય પણ લોહીલુહાણ હાલતમાં પડ્યો હોય બંનેને સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. સંજયે ભારતીને બે છાતીના ભાગે બે, ડાબા પગમાં સાથળના ભાગે એક, જમણા હાથે કોણીથી નીચેના ભાગે એક તેમજ ડાબા પગે પેનીના ભાગે એક એમ મળી પાંચ ઘા ઝીંક્યા હતા.
આ ઘટના બનવા પાછળ એવું કારણ છે કે સંજય વિનુભાઈ મકવાણા (રહે.સાત હનુમાન)ને ભારતીય સાથે છેલ્લા છ વર્ષથી પ્રેમસંબંધ હતો. ભારતીએ સંજયને તેની સાથે લગ્ન કરશે તેવું કહ્યું હતું પરંતુ ભારતીની માંગરોળ સગાઈ નક્કી થ, ગઈ હોય તે વાતની જાણ થતાં જ તેણે આ કાંડને અંજામ આપ્યો હતો.