નવાગામમાં ૧૬ વર્ષની બાળાના ૨૮ વર્ષના યુવાન સાથે લગ્ન કરાવનાર માતા-પિતા સહીત 6 સામે ફરિયાદ
જીલ્લા સમાજ સુરક્ષા વિભાગે પુરતા પુરાવા એકઠા કર્યા બાદ કરાઇ કાર્યવાહી : બે વર્ષ બાદ કુવાડવા પોલીસમાં ગુનો નોંધાયો
રાજકોટના નવાગામ આણંદપર ગામે રહેતી ૧૬ વર્ષની સગીરાના ભાવનગરના રંધોળામાં રહેતા ૨૮ વર્ષીય યુવાન સાથે બે વર્ષ પૂર્વે બાળ લગ્ન કરાવવામાં આવ્યા હતા. જે અંગે સમાજ સુરક્ષા વિભાગને અરજી મળતા તેઓએ આ અંગે તપાસ કરી હતી. બાદમાં બે વર્ષ બાદ પુરાવા મળતા સગીરાના બાલ લગ્ન થયા હોવાનું સામે આવતા કુવાડવા પોલીસે વરરાજા તેના માતા-પિતા તેમજ રાજકોટમાં રહેતા કન્યાના માતા-પિતા અને લગ્ન કરાવનાર ગોર મહારાજ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
મળતી વિગતો મુજબ,રાજકોટ સમાજ સુરક્ષા અધિકારી તેમજ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સંતોષભાઈ માધાભાઈ રાઠોડની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસ દ્વારા ભાવનગરના રંધોળા ગામે રહેતા વરરાજા અશોક દેવશીભાઈ મેટાળીયા,વરરાજાના પિતા દેવશીભાઈ તેની માતા જયાબેન ઉપરાંત રાજકોટના નવાગામ આણંદપરમાં રહેતા કન્યાના પિતા અમરસિંહ કાનજીભાઈ રાઠોડ તેની માતા મંજુબેન તેમજ લગ્ન કરાવનાર ગોર મહારાજ મુકેશ લીલાધરભાઈ મહેતા સામે બાળ લગ્ન પ્રતિબંધક મુજબની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત તા. ૧૩/૪/૨૦૨૨ ના તેમને નવાગામ આણંદપરમાં રહેતી સગીરાના બાળ લગ્ન થયા અંગેની અરજી મળી હતી જે અરજીના કામે તેમણે તપાસ કરતા ગત તા. ૨/૨/૨૦૨૨ ના નવાગામ આણંદપરમાં રહેતા અમરશીભાઈ રાઠોડની દીકરીના લગ્ન ભાવનગરના રંધોળામાં રહેતા દેવશીભાઈ મેટાળીયાના પુત્ર અશોક સાથે થયા હતા. બાદમાં આ બાબતે કન્યાના જન્મતારીખ તપાસવા સ્કૂલ પ્રમાણપત્રનો દાખલો મંગાવતા માલુમ પડું હતું કે, લગ્નના દિવસે કન્યાની ઉંમર ૧૬ વર્ષ ૧૧ માસ હતી યારે આ જ સમયે વરરાજા અશોક મેટાળીયાની ઉંમર ૨૮ વર્ષ ૧૨ દિવસ હતી. જેથી બાળ લગ્ન પ્રતિબંધિત અધિનિયમની કલમનો ભંગ કરી આ લગ્ન કરાવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું. જેથી આ બાબતે બે વર્ષ બાદ પોલીસે ગુનો નોંધ્યો છે.ઉલ્લેખનીય છે કે, બાળ લગ્ન કરનાર સગીર હાલ એક સંતાનની માતા છે.