બેલાની ખાણ મુદ્દે વેપારીને ધમકી,કર્મચારી પર ત્રણ શખસોનો હુમલો
મોટા મવા કદંબ હાઇટ્સમાં રહેતાં વેપારીને વાંકાનેરમાં લીઝ પર ખાણ મળ્યાનો ખાર રાખી કુવાડવાના શખસે ફોન પર ધમકાવી મળતીયાઓ પાસે કર્મચારીને માર ખવડાવ્યો
શહેરમાં મોટા મવા વિસ્તારમાં રહેતાં અને વાંકાનેરના જામસર ખાતે બેલાની ખાણ લોન્ગ લીઝ પર રાખી કામ ધંધો કરતા વેપારીને કુવાડવાના શખસે ફોન પર ધમકીઓ આપી મળતીયાઓ પાસે કર્મચારી પર હુમલો કરાવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વિગત મુજબ મોટા મવામાં કદંબ હાઈટ્સમાં રહેતાં રમેશભાઇ ઓડેદરાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કુવાડવાના જીગર પ્રવિણ કરમુરનું નામ આપી જણાવ્યું હતું કે, તે ખાણ ખનીજને લગતો વેપાર કરે છે.હાલમાં તેમને વાંકાનેરના જામસર ચોકડીએ બેલાની ખાણની લીઝ મળી છે. બપોરે ચારેક ફોન આવ્યા હતાં પરંતુ કામમાં હોઇ રિસીવ કર્યા ન હતાં. બાદમાં ઘરે આવતાં બીજા ત્રણ ફોન આવતાં સાંજે ફોન કરી કોણ બોલો છો? પુછતાં સામે વાત કરતી વ્યક્તિએ ગાળો દીધી હતી અને તું ક્યાં છે આજે તને મારી જ નાખવો છે.હું દસ જ મિનીટમાં તું જ્યાં હો ત્યાં આવુ છું કહી ધમકી દઇ ફોન કાપી નાખ્યો હતો. તપાસ કરતાં કુવાડવાના પ્રવિણ કરમુર કે તેઓ પણ ખાણ ખનીજને લગતું કામ કરતાં હોઇ જેથી ફોન કરી ધમકી દીધાનું જણાતાં ફરિયાદ કરી હતી.બીજી તરફ જામસરની રમેશભાઇની ખાણ ખાતે વાંકાનેરના પાઘડાર ગામે રહેતો મહેશ દેવાભાઇ ઓડેદરા (ઉ.વ.23) નોકરી કરતો હોઇ તે બેલાની ખાણ ખાતે કેમેરા ફીટ કરાવતો હતો ત્યારે ત્રણ શખ્સોએ આવી માર મારી બેલા-પથ્થરથી ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં પોતાને પ્રવિણ કરમુર, પ્રફુલ ભુવા અને પ્રદિપે માર માર્યાનું જણાવતાં તે મુજબની નોંધ સિવિલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસમાં કરી હતી.