‘તું છૂટાછેડા લઇ લે, હું તારી સાથે લગ્ન કરીશ’ કહી પરિણીતા પર બસ ડ્રાઈવરનું દુષ્કર્મ
જૂનાગઢ માનતા ઉતારવા જતી મહિલા સાથે વંથલીના ટીનમસ ગામના શખસે પરિચય મેળવ્યો : પુત્રીનું અવસાન થતાં અને પતિ દારૂના રવાડે ચડી જતાં સાંત્વના આપવા બહાને દેહ પીંખ્યો : દારૂના નશામાં ઘરમાં ઘુસી મારકૂટ કરતાં પોલીસે ગુનો નોંધી પકડ્યો
રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતી પરિણીતાને વંથલીના ટીનમસ ગામના બસ ડ્રાઈવરે ‘તું છૂટાછેડા લઇ લે હું તારી સાથે લગ્ન કરીશ’ તેમ કહી લગ્નની લાલચ આપી તેમજ મહિલાની પુત્રીનું અવસાન થતાં અને પતિ દારૂના રવાડે ચડી જતાં સાંત્વના આપવા બહાને તેણી સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી બસ ડ્રાઈવરની અટકાયત કરી છે.
વધુ વિગતો મુજબ 34 વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વંથલીના ટીનમસ ગામના રાહુલ લાખા હૂંબલનું નામ આપતાં જણાવ્યું હતું કે, તેઓ તેના પતિ અને બે સંતાન સાથે છેલ્લા દસ વર્ષથી રાજકોટમાં રહે છે અને તેના પતિ ડ્રાઇવિંગ કામ તેમજ પોતે ઘર બેઠાં સીવણ કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે.તેઓ વર્ષ 2022 માં જૂનાગઢ ભવનાથ માનતા ઉતારવા જવું હોય જેથી સવારમાં તે ગોંડલ ચોકડી પર આવી હતી ત્યાંથી પસાર થયેલ ખાનગી બસમાં જૂનાગઢ જવા માટે બેસેલ ત્યારે તેમાં ડ્રાઇવર તરીકે રાહુલ હતો. જેમને બસ બુકીંગ બાબતે વાતચીત કરતાં બંનેએ અરસપરસ નંબરની આપલે કરી હતી. બાદમાં રાહુલ દરરોજ ગુડ મોર્નિંગના મેસેજ કરતો હતો.દરમિયાન ફરિયાદી ગર્ભવતી બની હતી અને તેમને જન્મેલ બાળકનું મોત નિપજતાં તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. ત્યારે આરોપીએ પોતાના ગામ ટીનમસ આવવા જણાવ્યું અને પરિવાર સાથે મળવાનું કહેતાં તેણી પોતાના બે સંતાનો સાથે ગઈ હતી. આરોપીના ઘરે તેમની પત્ની, બે પુત્રી અને તેમની માતા હતી. જ્યાં આરોપીએ તેમના પરિવારને તેમના મિત્રની પત્ની છે તેવું કહ્યું હતું.
મહિલાના પતિ દારૂનો નશો કરતાં હોય અને એ બાબતે માથાકૂટ ચાલતી હોય જેનો ફાયદો ઉઠાવી આરોપી ગત જુલાઈ માસમાં તેણીના પતિની અને સંતાનોની ગેરહાજરીમાં ઘરે આવ્યો હતો અને તું તારા પતિનો કેમ ત્રાસ સહન કરે છે તું છૂટાછેડા લઇ લે હું તારી સાથે લગ્ન કરીશ તમે કહી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.જેથી તેણીએ તેમના પતિ સાથે ગયા સપ્ટેમ્બર મહિનામાં છૂટાછેડા લઈ લીધા હતાં. જે બાદ અવારનવાર ઘરે આવી દુષ્કર્મ આચરતો હતો. પરંતુ તે તેની પત્ની સાથે છૂટાછેડા લેતો ન હતો. ગત તા.5 ની મોડી રાતે તે દારૂના નશામાં ઘરે ઘસી આવેલ અને દરવાજો ખખડાવતા તેમને દરવાજો ન ખોલતાં તે ધરારીથી ઘરમાં ઘુસી બળજબરી કરી મારમારી શરીરે બચકા ભર્યા હતાં. જેથી પોતે પોતાનો જીવ બચાવી રાતના સમયે બજારમાં ભાગી હતી. અંતે રાહુલના ત્રાસથી કંટાળી ફરીયાદ નોંધવતા પીએસઆઇ બી. આર.ભરવાડ અને ટીમે રાહુલની અટકાયત કરી હતી.