ભુવાએ દાણા જોવાના બહાને પરિણીતાની છેડતી કરતાં શસ્ત્ર ધીંગાણું ખેલાયું
વિંછીયાના ઢેઢુકી ગામની ઘટના : ચોટીલા પંથકની મહિલાની બીમારી દૂર કરવા ભુવાએ દાણા જોતી વેળાએ હાથ પકડી છેડતી કરી તો’ ભુવાના ઘરે મહિલાના પરિવારજનોએ ઘસી જઈ હુમલો કર્યો : સામસામી ફરીયાદ પરથી વિંછીયા પોલીસે ગુનો નોંધ્યો
વિંછીયા તાલુકાના ઢેઢુકી ગામની સીમમાં આવેલી વાડીએ પરિણીતા ભુવા પાસે દાણા જોવડાવવા ગઇ હતી તે સમયે ભુવાએ પરિણીતાનો હાથ પકડી તેની છેડતી કરી હતી. બાદમાં આ વાતનો ખાર રાખી પરિણીતાના દિયર સહિતના પરિવારજનો અહીં વાડીએ આવી ભુવાને પાઇપ અને છરી વડે બેફામ માર માર્યો હતો. જેથી આ ઘટના મામલે પરિણીતાની ફરિયાદ પરથી ભુવા સામે કાળા જાદુના કાયદા હેઠળ તેમજ છેડતી કરવા અંગેનો ગુનો નોંધાયો છે. તો સામા પક્ષે પરિણીતાના દિયર સહિત છ શખસો સામે મારમાર્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે.
વિગતો મુજબ, હાલ રાજકોટમાં રહેતી મૂળ ચોટીલાના નવાગામની વતની ૨૭ વર્ષીય પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેના તબીબી રિપોર્ટ સારા ન આવતા હોય તેમણે આ બાબતે તેમના પરિચિત અને દૂરના સગામાં થતા એવા વિંછીયાના ઢેઢુકી ગામે રહેતા ચકુ પોલાભાઈ સાકળીયા (ઉ.વ ૬૫) કે જે ભુવાનું કામ કરતા હોય તેને ત્યાં દેખાડવાનું નક્કી કયુ હતું બાદમાં આ બાબતે ચકુભાઈને વાત કરતા તેમણે દાણા જોઈ માનતા કરવાનું કહ્યું હતું. બાદમાં અહીં વાડીએ બોલાવ્યા હતા જેથી પરણિતા તથા તેની પત્ની અહીં વાડીએ ગઈ હતી આ દરમિયાન પરિણીતાના પતિ સુરેશ દૂધ લેવા માટે ગયો હતો ત્યારે તેની ગેરહાજરીમાં ભુવા ચકુએ પરિણીતાનો હાથ પકડી છાતી પર હાથ ફેરવી છેડતી કરી હતી.જેથી આ મામલે પરિણીતાએ ભૂવા વિરુદ્ધ છેડતી તેમજ કાળા જાદુના કાયદા હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
જ્યારે સામાપક્ષે ઢેઢુકી ગામે રહેતા ચકુભાઈ ભોળાભાઈ સાકળીયા દ્રારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિશાલ મેણીયા (રહે.દેવપરા આણંદપર, ચોટીલા) તથા તેની સાથેના ૬ અજાણ્યા શખસોના નામ આપતા જણાવ્યું હતું કે, આરોપીઓએ રાત્રિના તેમની વાડીમાં આવી તેમની પત્નીની સાડી ખેંચી ઝપાઝપી કરી હતી તેમજ આરોપીઓએ પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો અને હાથ-પગ ભાંગી નાખ્યા હતા.જેથી આ મામલે પોલીસે સામ-સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.