રાજકોટના ઉદ્યોગપતિને ઓનલાઈન ૯૬ લાખમાં છેતરનાર ભાવનગરની ગેંગનું કરોડોનું આંતરરાજ્ય કારસ્તાન
સાયબર ક્રાઈમની ટીમે ચારેય શખ્સોને ઉઠાવી લઈ ત્રણ દિવસના રિમાન્ડ પર મેળવતાં રેકેટ ખુલ્યું: ભેજાબાજોએ દિલ્હી, બેંગ્લોર, તેલંગણા સહિતના રાજ્યોમાં પણ બોગસ પેઢી મારફતે કરોડોના ટ્રાન્ઝેક્શન કર્યાનો ઘટસ્ફોટ
રાજકોટના ઉદ્યોગપતિ પરિવારના કૃણાલ જયંતીભાઈ ચાંદ્રાને શેરબજારની ઓનલાઈન લીન્ક અને કરોડોનો નફો બતાવીને ૯૬ લાખની છેતરપિંડી કર્યાના બનાવમાં રાજકોટની સાયબર ક્રાઈમની ટીમને કલાકોમાં જ આરોપીઓ સુધી પહોંચવાની સફળતા મળી છે. ભાવનગરના ભેજાબાજ ચાર શખ્સોએ મળી કૃણાલને જાળમાં ફસાવ્યો હતો. રિમાન્ડ પર રહેલા ચારેય શખ્સોની હાથ ધરાયેલી પૂછતાછમાં ઓનલાઈન છેતરપિંડીનું આંતરરાજ્ય કારસ્તાન ખુલવા પામ્યું હોવાનું જાણવા મળે છે.
રાજકોટમાં અતુલ એન્ટરપ્રાઈઝ મારૂતિ કંપનીના ઓટોપાર્ટસનું વેરહાઉસ ધરાવતાં કૃણાલ ચાંદ્રાને ઈન્સ્ટાગ્રામ પર સર્ફિંગ કરતો હતો ત્યારે શેરબજારમાં વ્યાપાર-રોકાણની લિન્ક જોવા મળી હતી જેમાં ચાંદ્રાએ સર્ચ કરતાં નફા-રોકાણના ધારા-ધોરણો દર્શાવ્યા હતા અને ઉદ્યોગપતિ કૃણાલ ચાંદ્રાને લિન્ક ક્લિક કરતાં જ અન્ય એક ગ્રુપમાં જોડાયો હતો તેમાં તેણે રોકાણ કરતાં મોટી રકમની લાલસા દેખાડાઈ હતી જેથી પ્રથમ વખત કૃણાલે ૨૦,૦૦૦નું રોકાણ કર્યું હતું જેમાં કૃણાલને ત્રણ હજારનું વળતર મળતાં આ ગેંગના જાશામાં સપડાયો હતો.
અલગ-અલગ નફો અને મોટી રકમો દર્શાવીને કૃણાલને નફાની કરોડોની રકમ જોઈતી હોય તો અલગ-અલગ ટેક્સ ચૂકવવા પડશે કહીને જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં કટકે કટકે ૯૬ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા અને છેતરપિંડી આચરી હતી જે અંગે ત્રણ દિવસ પહેલાં તા.૧૯ના રોજ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં બેન્ક એકાઉન્ટ નંબરના આધારે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધાયો હતો. સાયબર ક્રાઈમ એસીપી ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ જે.એમ.કૈલા, બી.બી.જાડેજા અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. ટેક્નીકલ સોર્સિસ અને અન્ય વિગતોના આધારે આરોપીઓ ભાવનગરના હોવાની ભાળ મળી હતી જે આધારે પીઆઈ જાડેજા અને સ્ટાફ ભાવનગર દોડી ગયો હતો અને રાજુ ઉર્ફે મેમરી વજુભાઈ સોલંકી, યુવરાજસિંહ મહેશભાઈ મોરી, કિશોર ઉર્ફે ક્રિશ કાબાભાઈ ઉલવા અને વિજય વજુભાઈ ધનવાણીયા (રહે.લાઠી)ને ઉઠાવી લીધા હતા.
ચારેય શખ્સોના રાજકોટની અદાલતમાં રજૂ કરીને તપાસાર્થે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ પર રહેલા શખ્સોની પૂછતાછ અને તેઓના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તથા કબજે થયેલા કેટલાક દસ્તાવેજી પૂરાવાના આધારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ભેજાબાજ શખ્સોએ રાજકોટના ઉદ્યોગપતિ સાથે ૯૬ લાખની છેતરપિંડી આચર્યા ઉપરાંત આ ઈસમો દ્વારા ઓનલાઈન રોકાણ કે અન્ય લાલસા સાથે આંતરરાજ્ય કરોડોનું કૌભાંડ આચરાયું હોવાની પ્રાથમિક વિગતો પોલીસને સાંપડી છે. ભેજાબાજ ગેંગ દ્વારા રાજકોટ ઉપરાંત દિલ્હી, તેલંગણા, બેંગ્લોર તેમજ અન્ય રાજ્યના શહેરોમાં પણ આવી રીતે લિન્ક મારફતે શેરબજાર અને અન્ય ધંધામાં રોકાણથી મોટો નફો આપવાની લાલસા અને ઓનલાઈન આવો મોટો નફો બતાવીને કરોડોના ટ્રાન્ઝેક્શન કરાવ્યા હોવાની માહિતી પોલીસને પ્રાપ્ત થઈ છે. આરોપીઓ સામે જે તે રાજ્યોમાં ગુનાઓ પણ નોંધાયા હોવાનું અને આ ઈસમોને અન્ય રાજ્યની પોલીસ પણ શોધતી હતી તે પૂર્વે જ રાજકોટની પોલીસને ચારેય શખ્સોને દબોચવામાં કામિયાબી મળી છે.
કૌભાંડમાં કોની શું ભૂમિકા ?
આ સમગ્ર કૌભાંડમાં ચારેય આરોપીઓની ભૂમિકા પર નજર કરવામાં આવે તો યુવરાજ અને કિશોરે રાજુ ઉર્ફે મેમરી પાસેથી ડોક્યુમેન્ટ લઈ તેના આધારે શ્રીરામ એન્ટરપ્રાઈઝના નામે બોગસ પેઢી ઉભી કરી હતી અને પેઢીના નામનું એક કરંટ એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું. આ પછી આ ખાતાનું સંચાલન વિજય ધનવાણીયાને સોંપ્યું હતું. વિજય દ્વારા જ અન્ય બોગસ પેઢી ઉભી કરી તેના મારફતે કમાયેલા નાણાં આ એકાઉન્ટમાં જમા કરાવાતાં હોવાની આશંકા પણ પોલીસ સૂત્રોએ વ્યક્ત કરી હતી. તપાસમાં ખુલ્યા પ્રમાણે રાજુ સોલંકી ફેક્ટરીમાં નોકરી કરતો હોવાનું તો યુવરાજ અને કિશોર કોઈ કામધંધો કરતા ન હોવાનું સામે આવ્યું હતું. રાજુ ઉર્ફે મેમરીના નામે પેઢી ખોલ્યા બાદ કિશોર અને યુવરાજસિંહે આઈડીએફસી ફર્સ્ટ બેન્કમાં એકાઉન્ટ ખોલ્યું હતું. આ એકાઉન્ટમાં છેતરપિંડીના નાણા જમા થયા બાદ તેના ટ્રાન્ઝેક્શન પ્રમાણે તેનું કમિશન વિજય ધનવાણીને આપ્યું હતું.
જીએસટી ટેક્સ ચોરીનું પણ મોટું રેકેટ હોવાની આશંકા
ભાવનગર-લાઠીની આ ગેંગે શ્રીરામ એન્ટરપ્રાઈઝ જ નહીં બલ્કે અન્ય બોગસ પેઢીઓ શરૂ કરી તેના મારફતે જીએસટી ટેક્સ ચોરી કરી હોવાની દિશામાં પોલીસ તપાસ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે આ ટોળકીએ માત્ર રાજકોટ જ નહીં પરંતુ અન્ય રાજ્ય-શહેરોના લોકોને ચૂનો ચોપડ્યાની શક્યતા નકારી શકાતી નથી. બીજી બાજુ કૃણાલ ચાંદ્રા પાસેથી પડાવી લેવાયેલી રકમ અન્ય રાજ્યમાં ટ્રાન્સફર થઈ ગઈ હોય તેને રિકવર કરવાની તજવીજ પણ ચાલી રહી છે.