રાજકોટના BSNLના નિવૃત કર્મીની ભાણેજે જમીન પચાવી લીધી
શાસ્ત્રીનગરમાં રહેતાં નિવૃત કર્મીએ જસદણમાં આવેલો પ્લોટ બહેનને રહેવા માટે આપ્યો જે બાદ ભાણેજે ગેરકાયદેસર ઓરડીઓ ચણી ભાડે ચડાવી લીધી
રાજકોટ અજમેરા શાસ્ત્રીનગરમાં રહેતાં BSNLના નિવૃત કર્મીએ જસદણમાં આવેલો પ્લોટ તેમની બહેનને રહેવા માટે આપ્યો હતો. જે બાદ ભાણેજે જમીનમાં ગેરકાયદેસર ઓરડીઓ ચણી ભાડે આપી કબ્જો કરી લેતાં જસદણ પોલીસ મથકમાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જે અંગે ગોંડલ ડીવાયએસપીએ તપાસ હાથ ધરી હતી.
વિગત મુજબ હાલ રાજકોટમાં અજમેરા શાસ્ત્રીનગરમાં રહેતાં અને મૂળ જસદણના વતની દેવજીભાઈ હીરાભાઈ પરમાર (ઉ.વ.68) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદમાં રહેતા તેના ભાણેજ રમેશ કરશન ચૌહાણનું નામ આપતાં જણાવ્યું હતું કે, તેઓ અગાઉ બી.એસ.એન.એલ.માં સબ ડીવીઝનલ એન્જીનીયર તરીકે નોકરી કરતાં હતાં. હાલ તેઓ નિવુત જીવન ગાળે છે.
તેમની જસદણમાં આવેલી જમીન બહેન ડાહીબેન કરશનભાઈ ચૌહાણને રહેવા માટે આપેલ હતી. ત્યારબાદ ભાણેજ રમેશ ચૌહાણ પણ ત્યા રહેવા આવેલ હતો.વર્ષ 2019 માં તેઓના જસદણ રહેતાં ભાઇઓએ જણાવેલ કે, આપણા ભાણેજ રમેશ ચૌહાણએ પ્લોટ નં-15 માં કબ્જો કરી લીધેલ છે. જેથી તેઓ જસદણ આવ્યા હતા અને તેઓને પ્લોટ ખાલી કરવા માટે કહ્યું હતુ. ત્યારે રમેશે તેઓ અને તેમના ભાઇઓને ગાળો આપેલ અને મારી નાખવાની ધમકી આપી હતી.
ત્યારબાદ અવાર નવાર કહેવા છતા આરોપીએ પ્લોટ નં-15 જે ખુલ્લો હતો.તેમાં બાંધકામ કરીને બે ઓરડી બનાવેલ અને અન્ય લોકોને ભાડેથી આપી દીધી હતી. જેથી તેઓએ કલેક્ટરમાં અરજી આપતાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરીયાદ નોંધવાનો હુકમ થતાં જસદણ પોલીસે ગુનો નોંધી ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાએ તપાસ હાથ ધરી હતી