અમારી દુકાન પાસે અપશબ્દો બોલવા નહિ તેવું કહીને માસીયાઈ ભાઇ પર હુમલો
ધોરાજીનો બનાવ બે શખ્સો સામે ગુનો દાખલ
ધોરાજીના વિજયનગર ગામે મારી દુકાન પાસે અપશબ્દો બોલવા નહિ તેવું કહીને સગા માસીયાઈ ભાઇ પર આરોપી બંધુ રવિ અને રાજ સોંદરવાએ લોખંડ પાઇપથી હુમલો કર્યો હતો.બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ, ધોરાજીના બહારપુરા વિજયનગર નજીક રહેતા સતિષભાઈ ઉર્ફે ભયુ શામજીભાઈ પરમારે (ઉ.વ. 24) પોલિસને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.16 ના સાંજના 7.30 વાગ્યા બાદ તે તેમજ મિત્ર જીવન ઉર્ફે કાળુ બોરીચા તથા વિશાલ ઉર્ફે ટકો સાગઠીયા બધા સાથે સકુરાનદીના પુલ પાસે બેઠા હતા. ત્યારે યુવકના માસીનો દીકરા રવિ સોંદરવા અને રાજ સોંદરવા લોખંડનો પાઇપ લઈને આવેલો અને યુવકને કહેવા લાગેલ કે, અમારી દુકાન પાસે અપશબ્દો બોલવા નહીં. તું દુકાન બાજુ આવે છે ત્યારે અમારા પર દારૂનો કેસ થાય છે. આ પહેલા પણ તું અમારી દુકાન પાસે આવેલ ત્યારે કેસ થયેલ હતો.
વાતચીત દરમીયાન બંને ભાઈઓ ઉશ્કેરાઈ જઈને યુવકને પાઇપ લઈને તૂટી પડ્યા હતા. સતીષને ગંભીર ઇજા પહોંચતા તેને ધોરાજી સિવિલ જે બાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકના નિવેદનના આધારે પોલીસે બંને સોંદરવા બંધુ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.