સાગરિત પકડાઈ ગયાની ખબર પડતાં જ PI ભૂગર્ભમાં !
રેસકોર્સ રિંગરોડ પાસેથી ૧૦ લાખની લાંચ લેતાં પકડાયેલા જેવિન ઉર્ફે જયમીને જેના કહેવાથી પૈસા લીધા તે માટુંગાના પીઆઈ દીગંબરને પકડવા એસીબીનું સર્ચ ઓપરેશન
ઠેકઠેકાણે દરોડા પાડ્યા છતાં હાથ ન લાગ્યો: જયમીનના રિમાન્ડ દરમિયાન અનેક કાંડ છતાં થવાના ભણકારા
રાજકોટમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) આક્રમક બનીને એક બાદ એક લાંચિયા અધિકારીઓ અને સાગરિતોને પકડી રહી છે ત્યારે તાજેતરમાં જ રેસકોર્સ રિંગરોડ ઉપર મુંબઈના માટુંગા પોલીસ મથકના પીઆઈ વતી ૧૦ લાખ રૂપિયાની લાંચ લેતાં રાજકોટના જયમીન ઉર્ફે જેવિન સાવલિયા નામના વચેટિયાને પકડી પાડ્યાની જાણ થતાં જ પીઆઈ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. માટુંગા પોલીસ મથકના પીઆઈ સામે ગુનો નોંધાતાં જ એસીબીની એક ટીમ મુંબઈ પહોંચી હતી પરંતુ તે હાથ લાગ્યા ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ રાજકોટના એક વેપારીના ખાતામાં સાયબર ફ્રોડની રકમ જમા થઈ હોવાથી તેનું ખાતું ફ્રિઝ થઈ ગયું હતું જે ખોલાવવા માટે અને સાયબર ફ્રોડમાં તેનો કોઈ હાથ નથી તેની ખરાઈ કરવા માટે તેણે મુંબઈના માટુંગા પોલીસ મથકમાં નિવેદન આપવા માટે જવાનું હતું. આ અંગેની જાણ રાજકોટના જયમીન ઉર્ફે જેવિનને થતાં તેણે ફરિયાદીનો સંપર્ક કરીને કહ્યું હતું કે માટુંગા પોલીસ મથકના પીઆઈ દીગંબર પાગર તેના મીત્ર છે તેથી નિવેદન આપ્યા બાદ ધરપકડ કે બીજી કોઈ હેરાનગતિ કરવામાં આવશે નહીં પરંતુ તેના બદલામાં ૧૦ લાખ રૂપિયા ચૂકવવા પડશે.
આ નક્કી થતાં જ ફરિયાદી અને જયમીન સાવલિયા રેસકોર્સ રિંગરોડ પર ટી-પોસ્ટમાં ભેગા થયા હતા અને જેવું લાંચનું ચૂકવણું થયું અને જયમીન સાવલિયાએ પીઆઈ દીગંબર સાથે વાતચીત કરીને પૈસા મળી ગયાની જાણ કરી કે તુરંત જ એસીબીએ જયમીનને દબોચી લીધો હતો.
ત્યારબાદ જયમીનને રિમાન્ડ પર લેવામાં આવ્યો છે અને પીઆઈ દીગંબર પાગર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા માટે એસીબીએ મુંબઈમાં દરોડા પાડ્યા હતા પરંતુ ત્યાં તે હાથ લાગ્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે.