રાજકોટમાં વધુ એક હત્યા : 10 દિવસમાં ચોથી લોથ ઢળી
રૈયાધાર વિસ્તારમાં પથ્થરોના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા કરાઇ : રાત્રિના યુવક ભંગારની રેકડી લઈને નીકળ્યા બાદ ગુમ થયો ‘તો : સાંજના અવાવરુ સ્થળેથી લાશ મળી આવતા પરિવારમાં આકંદ
દસ દિવસમાં ચોથો હત્યાનો બનાવ બનતા લોકોમાં ફફડાટ : હત્યારાઓની ઓળખ મેળવવા પોલીસ તપાસ
રાજકોટમાં ખાખીનો ખોફ જાણે ઓસળી રહ્યો હોય તેમ દિન પ્રતિદિન ગુના ખોરીનો ગ્રાફ સતત ટોચ પર જઈ રહ્યો છે. હત્યા તો હવે રાજકોટમાં મામૂલી વાત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણકે માત્ર 10 દિવસમાં હત્યાનો ચોથો બનાવ પોલીસ સામે આવ્યો છે. મચ્છો નગરમાં રહેતા યુવકની રૈયાધાર વિસ્તારમાં આવેલી અવાવરુ સ્થળે પથ્થરોના ઘા ઝીંકી કરપીણ હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. જેથી હાલ પોલીસે હત્યારાઓની ઓળખ મેળવવા તજવીજ હાથધરી છે. હાલ યુવકની હત્યા પૈસાની લેતીદેતી મામલે,સ્ત્રી પાત્ર કે નશો કરવા મુદે કરવામાં આવી છે કે કેમ? તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
માહિતી મુજબ રૈયાધાર વિસ્તારમાં આવેલી ડ્રીમસિટી રેસિડેન્સી પાછળની અવાવરુ જગ્યાએથી એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી હોવાની જાણ યુનિવર્સિટી પોલીસને થતાં પીઆઇ જે.એમ.કૈલા પી.એસ.આઈ ભરવાડ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને યુવકની ઓળખ મેળવવા તપાસ કરતાં મૃતક મચ્છો નગરમાં રહેતો વિનોદ દિનેશભાઈ વાઢિયાળા (ઉ.વ.23) હોવાનું જાણવા મળ્યું હતું.જેથી બનાવની જાણ મૃતકના પરિવારને કરતાં તેના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને બાદમાં તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.
પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃતક યુવક ભંગારની રેકડી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગત શનિવાર સાંજના ઘરેથી રેકડી લઈને નીકળ્યા બાદ ઘરે પરત ન આવતા તેના પરિવારે યુવકની શોધખોળ શરૂ કરી હતી. અને તેનો કોઈ પતો ન લગતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ગુમ નોંધ કરી યુવકની શોધખોળ શરૂ કરી હતી.ત્યારે વિનોદની રૈયાધાર પાસેથી પથ્થરોના ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસને યુવકની લાશ પાસેથી તેની રેકડી પણ મળી આવી હતી. હાલ પોલીસ દ્વારા નજીકની બિલ્ડિંગોના સીસીટીવી મેળવી તેના આધારે હત્યારાઓનું પગેરું મેળવવા તજવીજ હાથધરી છે. જ્યારે યુવકની હત્યા
ઉલ્લેખનીય છે કે,રાજકોટમાં છેલ્લા દસ દિવસમાં હત્યાનો ચોથો બનાવ બનવા પામ્યો છે. જેમાં તા.19 જૂનના માલધારી ફાટક પાસે સ્વાતિ પાર્કમાં વિપુલ ક્યાડા નામના વેપારીની રૂ.8 લાખની લેતીદેતીના પ્રશ્ને મેહુલ ભરવાડ અને શામળ સહિત ત્રણ શખ્સો દ્વારા તેની હત્યા કરી લાશને સળગાવી નાખી હતી. જેમાં પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડયા હતા. જ્યારે બીજા બનાવમાં ગત 20 જૂનના ગાંધીગ્રામ વિસ્તારમાં મિત્રને ખોટા રવાડે ચડાવવાના મુદે અર્જુન વ્યાસ નામના 18 વર્ષીય યુવકની તેના જ બે મિત્રો કૃણાલ અને ટકાએ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી. જેમાં પોલીસે બંને આરોપીઓને પણ પકડી લીધા હતા. અને ત્રીજા બનાવમાં તા.23 જૂનના રૈયારોડ પર વિમાના રૂપિયા લેતીદેતી મામલે સાવકા ભાઈ સહિતના શખ્સોએ જીવલેણ હુમલો કરી લાખાભાઈ વાઘેલાની છરીના ઘા મારી હત્યા નિપજવી હતી. અને હત્યારાઓને પોલીસે પકડ્યા હતા. ત્યારે રૈયાધાર વિસ્તારમાં ફરી હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે વિનોદની હત્યા કરનારની ઓળખ મેળવવા તજવીજ હાથધરી છે.