કોલેજે જતી બે વિધાર્થીનીએ 150 ફૂટ રિંગ રોડ ઉપર ટ્રક ચાલકે કચડી ફરાર
રાજકોટમાં વધતાં જતાં ટ્રાફિક સાથે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. ત્રણ દિવસ પૂર્વે હીટ એન્ડ રનના બે બનાવો બન્યા બાદ વધુ એક બનાવમાં 150 ફુટ રીંગ રોડ પર બેકાબુ ટ્રકે સ્કૂટર ચલાવી જતી બે કોલેજીયન યુવતીને અડફેટે લેતા સનસાઇન કોલેજની એમબીએની વિધાર્થીનીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. જયારે સહેલીને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાઇ હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક ત્યાં થી ફરાર થઈ ગયો હતો.
રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે રહેતી અને નવા 150 ફૂટ રિંગરોડ પર આવેલી સનસાઈન કોલેજમાં એમબીએના સેમેસ્ટર 1માં અભ્યાસ કરતી હેતવી ગોરવાડીયા (ઉવ.21)નામની વિધાર્થીની તેની સાથે અભ્યાસ કરતી સહપાઠી જેનીશા વસાણી (ઉ.વ.21) સાથે એક્ટિવ ઉપર કોલેજ જવા નીકળી હતી ત્યારે નવા 150 ફૂટ રિંગરોડ પર સનસાઈન કોલેજ નજીક કરણ-અર્જુન પાર્ટી પ્લોટ પાસે પુરપાટ ઝડપે આવેલા ટ્રક નંબર જીજે 31 ટી 3388ના ચાલકે પાછળથી જયુપીટર સહિત બંને વિધાર્થીનીને ઠોકરે ચડાવી હતી જેમાં ટ્રકનું તોતિંગ વ્હીલ હેતવી ઉપર ફરી જતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે જેનિશાને ગંભીર ઇજા થઈ હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટના સ્થળે જ નાસી છુટયો હતો. મૃતક હેતવી ત્રણ બહેનમાં મોટી હતી અને તેના પિતા પાંજરાપોળ પાસે ચાંદી કામ કરે છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા. આ અંગે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી અને નાસી છૂટેલા ટ્રક ચાલકને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.
150 ફૂટનો રોડ સિગલ પટ્ટી જેવો,વારંવાર અકસ્માત છતાં તંત્ર મૌન
ઘટના બાદ સ્થળ પર સનસાઈન કોલેજના પ્રોફેસર સહિતનો સ્ટાફ તેમજ આજુબાજુમાં રહેતા રહેવાસીઓના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. આ ઘટના પાછળ સ્થાનિકો અને કોલેજના વિધાર્થીઓએ તંત્ર જવાબદાર ગણાવી રોષ ઠાલવ્યો હતો. 150 ફૂટ રિંગ રોડના ખખડધજ રસ્તા અકસ્માત માટે જવાબદાર ગણાવ્યા હતા મોટા ભારે વાહનો પસાર થતાં હોવા છતાં સિગલ પટ્ટી રોડ જેવી સ્થિતિ છે. બે ટ્રક એક રોડ ઉપર આવી જાય ત્યારે ટ્રાફિક જામ થઈ જાય છે. આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. જેના કારણે પારાવાર આકસ્માતોની ઘટના બની રહી છે. અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે.
બનાવના દોઢ કલાક બાદ એમ્બ્યુલન્સ અને પોલીસ પહોંચી
150 ફૂટ રિંગ રોડ ઉપર આ અકસ્માતની ઘટના બની ત્યારે એમ્બ્યુલન્સ અને પોલીસ તંત્રને જાણ કરાઈ હતી. તેના દોઢ થી 2 કલાક સુધી કોઇ ઘટના સ્થળે કોઈ ફરક્યું પણ ન હતું. સવારે 7:45 કલાકના બનાવ બાદ એમ્બ્યુલન્સ સવારે 9:30 કલાકે આવી અને હેતવીને મૃત જાહેર કરી હતી. જ્યારે તાલુકા પોલીસ સ્ટેશન ઘટના સ્થળથી નજીક હોવા છતાં 10 વાગે પોલીસ સ્થળ પર પહોંચી હતી અને 11 વાગ્યા સુધી પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોટર્મ માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો સવારે 7:45 નો બનાવ બન્યા બાદ બપોરે 11:30 સુધી કાર્યવાહી ચાલી હતી.