મહારાષ્ટ્રના જંગલમાં સાંકળ વડે વૃક્ષ સાથે બાંધેલી અમેરિકન મહિલા મળી
40 દિવસ પહેલા પતિ બાંધી ગયો હોવાનો દાવો
મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના સોનુરિલ ગામ નજીક જંગલમાંથી સાંકળ વડે વૃક્ષ સાથે બંધાયેલી હાલતમાં 50 વર્ષની અમેરિકન મહિલા મળી આવી હતી.એક માલધારીનું તેના પ્રત્યે ધ્યાન ગયા બાદ તેણે જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.મહિલાની શારીરિક અને માનસિક હાલત ગંભીર જણાતાં તેને ગોવા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.મહિલાએ આ કૃત્ય તેના પતિએ કર્યું હોવાનો અને પોતે ચાલીસ દિવસથી બંધાયેલી હાલતમાં હોવાનો દાવો કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર મહિલા પાસેથી અમેરિકન પાસપોર્ટની ફોટોકોપી,અન્ય દસ્તાવેજો તથા તામિલનાડુના સરનામાવાળુ આધારકાર્ડ મળી આવ્યા હતા તેના પરથી તેનું નામ લલિતા કાયી કુમાર હોવાનું ખુલ્યું હતું. મહિલા ભૂખી તરસી હતી ઉપરાંત જંગલમાં ભારે વરસાદ પણ હતો.તેની માનસિક હાલત ડામાડોળ હતી. તેની માનસિક બીમારીની સારવાર ચાલતી હતી અને એ અંગેના ડોક્ટરના પ્રિસ્ક્રીપશન પણ મળી આવ્યા હતા.હોસ્પિટલમાં તેણે લખીને બધી વિગત જણાવી હતી.મહિલા છેલ્લા દસ વર્ષથી ભારતમાં રહેતી હતી.પોલીસે આ મામલે ગોવા,તામિલનાડુ અને અન્ય સ્થળોએ તપાસ હાથ ધરી છે.