૧૦ વર્ષના પુત્રની હત્યા કરી નાખ્યા પછી પોતે આપઘાતનું વિચાર્યું પણ હિંમત ન ચાલી
અમદાવાદના બાપુનગરમાં બની ચોંકાવનારી ઘટના : પિતાનું કૃત્ય
પુત્રને પાણીમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવી દઈને પાઈ દીધુ
અમદાવાદના બાપુનગરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. પોતાના જ ૧૦ વર્ષના પુત્રની બીમારીથી કંટાળીને પિતાએ તેની હત્યા કરી નાખી હતી. પુત્રની હત્યા પછી પોતે આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું પણ છેલ્લી ઘડીએ પોતાની હિંમત ન ચાલતા આપઘાતનો વિચાર માંડી વાળ્યો હતો. આ ઘટના બની ત્યારે તેની પત્ની પિયર ગઈ હતી.
કલ્પેશ ગોહેલ નામના શખશે પુત્ર ઓમને સોડિયમ નાઇટ્રાઇટ પાણીમાં નાખીને પીવડાવી દીધું હતું જેથી તે મૃત્યુ પામ્યો હતો. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.
આ ઘટના અંગે પોલીસના જણાવ્યા મુજબ કલ્પેશની પત્ની બહારગામ ગઈ હતી તે સમયે જ બાળકને મારી નાખવાનો તેના પિતા વિચાર આવ્યો હતો. જેના પગલે કલ્પેશે સોડિયમ નાઈટ્રેટ ઝેરી પાઉડર પાણીમાં ભેળવીને તેના પુત્રને આપી દીધું હતું. જે પી લેતા બાળકનું મોત નિપજ્યું હતું.
વધુમાં પોલીસનું એવું કહેવું છે કે બાળકને કોઈ બીમારી હોવાથી પિતા કંટાળ્યો હતો અને તેના કારણે જ આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. તે પોતે પણ આ હત્યા બાદ આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો પણ તેની હિંમત તૂટી ગઇ અને તે આ ઘોર પાપ કરી બેઠો હતો.
પિતાએ હત્યા માટે ઉપયોગમાં લીધેલું કેમિકલ તેને ક્યાંથી મળ્યું તે બાબત પણ પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. આ કેમિકલ તેણે હોસ્પિટલમાંથી મેળવ્યું છે કે કોઈ લેબમાંથી મેળવ્યું છે કે કોઈ કેમિકલની ફેક્ટરીમાંથી મેળવ્યું છે તે પણ પોલીસ જોઈ રહી છે. હત્યા કરવાના આ નવા કરતબના કારણે પોલીસ પણ આશ્ચર્ય પામી છે.