આડાસંબધનો કરુંણ અંજામ: પત્નીને પતિએ મોતને ઘાટ ઉતારી
મરાઠી દંપતી વચ્ચે માથાકૂટ થયા બાદ પતિ પથ્થરનો બ્લોક ફટકારી પત્નીની હત્યા કરી વિડીયો બનાવ્યો
ટાઉનશીપ ગ્રુપમાં વિડીયો વાઇરલ થતાં સનસનાટી,હત્યારા પતિની ધરપકડ
રાજકોટની ભાગોળે આવેલ અંબીકા ટાઉનશીપ શાંતિવન એપાર્ટમેન્ટ બી-વીંગમાં રહેતા મુળ મહારાષ્ટ્રનાં અંબિકાબેન ગુરૂપા સિરોડી (ઉ.34) નામની મહિલાની તેના જ પતિ ગુરૂપા સિરોડીએ આડા સંબંધની શંકા બોલાચાલી કર્યા બાદ હત્યા કરી પતિ ગુરૂપા સિરોડીએ વિડીયો બનાવી પોતના ટાઉનશીપ ગ્રુપમાં આ વિડીયો શેર કર્યો હતો. તેમજ બનાવ બાદ પતિએ ફોનથી મિત્રને જાણ કરી હોય આ બાબતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને હત્યારા પતિની ધરપકડ કરી હતી.
તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.એમ.હિરપરા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, મહારાષ્ટ્રીયન મહિલા અંબિકાબેનના માથામાં પથ્થરનો બ્લોક ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે આરોપી પતિની અટકાયત કરી સઘન પુછપરછ કરતાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, પતિ ગુરૂપા સિરોડી કોન્ટ્રાકટનું કામ કરે છે જેથી કોન્ટ્રાકટના કામ માટે અવાર નવાર બહાર ગામ જતાં પતિની ગેરહાજરીમાં પત્ની અંબિકાને પર પુરૂષ સાથે આંખ મળી ગયાની આશંકાએ પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતાં. બનાવની રાતે પણ ગુરૂપા સિરોડી અને પત્ની અંબિકા વચ્ચે આડા સંબંધની શંકાએ ઉગ્ર બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલ પતિ ગુરૂપા સિરોડીએ ઘરમાં પડેલા બ્લોકથી પત્ની ઉપર હુમલો કરી હત્યા કરી હતી.ઘટના સમયે દેકારો થતાં બાજુના રૂમમાં સુતેલા પુત્ર અને પુત્રી પણ જાગી ગયા હતા અને તેની નજર સામે જ રોષે ભરાયેલા પિતાએ માતાને માથામાં પથ્થરના બ્લોક ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું.બનાવ બાદ ગુરૂપા સિરોડીએ પોતાના મિત્ર વર્તુળોને ફોનથી જાણ કરતાં આ ઘટના અંગે તાલુકા પોલીસને જાણ થઈ હતી.
મારી પત્નીએ બીજા સાથે જવા જીદ પકડી એટલે મારે મેટર પૂરું કરવું પડ્યું: લાશ સાથે સેલ્ફી લઈ પતિએ વીડિયો બનાવ્યો
ગુરૂપા સિરોડીએ હત્યા કર્યા બાદ બનાવેલા વિડિયોમાં જણાવ્યું કે ‘શાંતિવનના લોકોને મારા પ્રણામ, મારી ભૂલ થઈ છે, આ ભૂલ નથી મારી ઘરવાળી બહુ તકલીફ આપે આ કરવાનો ન હતો તો પણ કરી નાખ્યું, બહારના બધા કે હું ખરાબ નથી મારી ઘરવાળી ખરાબ હતી, મારા મિત્ર સાથે જતી હતી મિત્રએ પણ દગો દીધો. મારા લગ્ન 17 વર્ષ પહેલા થયા હતાં. મે બહુ સમજાવવાની કોશિષ કરી, મારી પુત્રીનું 10 માં ધોરણની પરીક્ષા પુરી થયા બાદ પછી આપણે આનો ઉકેલ લાવશું તેમ છતાં તે ન સમજી અને કહેતી હતી હું ચાલી જાવ છું પત્નીએ બીજા સાથે જવાની ઝીંદ પકડી માટે અંતે મારે આ મેટર પૂરું કરવું પડયું.મને માફ કરજો, હું ન્યુઝ રિપોર્ટને બોલાવી તમામ વાત કરવાનો છું.મને હથકડી લગાવવાની નથી, હું બીઝનેસ મેન છું, હું સામેથી સરેન્ડર કરવાનો છું, બીજા કેદી જેવું મારી સાથે વર્તન નથી કરવાનું.’