લગ્નના પાંચ માસમાં પત્ની રિસામણે જતી રહેતા યુવકે આપઘાત કર્યો
માલધારી સોસાયટીમાં રહેતા યુવકે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લીધું
રાજકોટમાં જુના માર્કેટ યાર્ડ પાસે માલધારી સોસાયટીમાં રહેતાં યુવકના પાંચ માસ પૂર્વે લગ્ન થયા હતા અને લગ્નના પાંચમાં મહિને પત્ની માવતરના ઘરે જતી રહેતા તેના વિયોગમાં પતિએ ઝેરી દવા પી લેતા આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ માલધારી સોસાયટીમાં રહેતાં મયુર રમેશભાઇ ચુડાસમા (ઉ.વ.૨૮) નામના યુવાને પોતાના ઘરે ઝેર પી લેતા પરિવારજનોએ તુરત જ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. પરંતુ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં હોસ્પિટલ મારફત બી-ડિવીઝન પોલીસ સ્ટેશનને જાણ કરતાં એએસઆઇ એ.વી.બકુતરાએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.તપાસમાં જાણવા મળ્યું હતું કે,આપઘાત કરનાર મયુર બહેનનો એકનો એક મોટો ભાઈ અને માતા-પિતાનો આધારસ્તંભ દિકરો હતો. મયુરે કોલેજ સુધીનો અભ્યાસ કર્યો હતો. હાલમાં જ તેણે પિતા સાથે ડ્રાઇવીંગ કામ ચાલુ કર્યુ હતું પરિવારજનોએ જણાવ્યું હતું કે મયુરના લગ્ન હજુ પાંચ મહિના પહેલા જ રાજકોટથી પૂજા સાથે થયા હતાં. દસેક દિવસ પહેલા પતિ-પત્નિ વચ્ચે કોઈ બાબતે ચડભડ થતાં પૂજાને તેની માતા માવતરે તેડી ગઇ હતી. મયુરે મનાવવા છતાં તેણી રિસામણેથી પરત ન આવતાં મયુરને માઠું લાગી જતાં તેણે આ પગલુ ભરી લીધુ હતું.