મંગેતર સાથે ફોનમાં ઝગડો થતાં યુવકે કર્યો આપઘાત
શહેરના સદર બજાર વિસ્તારમાં આવેલી હોસ્ટેલમાં ચાર દિવસ પહેલા જ રહેવા આવેલા યુવાને મંગેતર સાથે ફોનમાં ઝગડો થતાં હોસ્ટેલનાં રૂમમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
માહિતી મુજબ મુળ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ખાનપુર ગામનો વતની અને છેલ્લા ચાર દિવસથી રાજકોટમાં સદર બજાર પોલીસ ચોકી નજીક આવેલી રાધે હોસ્પિટલમાં પિતા સાથે રહેતા કેશવ દલપતરામ માલીવાડ (ઉ.23) નામના યુવાને હોસ્ટેલનાં રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળ્યું હતુંકે,આપઘાત કરનાર કેશવ બે ભાઈ એક બહેનમાં નાનો હતો. તેની સગાઈ તેના વતન નજીકના ગામની યુવતી સાથે થઈ હતી. બે દિવસથી કેશવ અને તેની મંગેતર વચ્ચે ફોનમાં કોઈ બાબતે બોલાચાલી ચાલતી હોય ગઇકાલે પણ મંગેતર સાથે ફોનમાં ઝઘડો થયા બાદ કેશવે આ પગલું ભરી લીધાનું તેના પિતાએ જણાવ્યું હતું. યુવાન પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી.