પંજાબથી ભરાઈ પોરબંદર જતો દારૂ ભરેલો ટ્રક માલિયાસણ પાસેથી પકડાયો
ત્રણ દિ’માં સ્ટેટ મોનિટરિંગ સેલનો રાજકોટમાં બીજો દરોડો
દેવભૂમિ દ્વારકાના ચાર બૂટલેગરોએ ચોખાના બાચકા નીચે છુપાવી મંગાવ્યો’તો દારૂ: જામનગરનો ડ્રાઈવર પકડાયો
૪૭.૮૪ લાખની કિંમતનો દારૂ-બીયરનો જથ્થો મળી ૭૨.૯૧ લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ શહેર-જિલ્લો તેમજ મોરબી સ્ટેટ મોનિટરિંગ સેલના રડાર' પર હોય તેવી રીતે ત્રણ દિવસની અંદર એક બાદ એક દરોડા પાડી સ્થાનિક પોલીસની
આળસ’ છતી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો ત્રણ દિવસની અંદર બીજો દરોડો પાડતાં અહીંની પોલીસની નિષ્ક્રિયતા છતી થઈ રહી છે. પંજાબથી ભરાઈને પોરબંદર સપ્લાય કરવા માટે જઈ રહેલા દારૂ ભરેલા ટ્રકને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે માલિયાસણ પાસેથી પકડી પાડી ૭૨.૯૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.વી.પટેલ અને ટીમે ચોટીલાથી રાજકોટ તરફ આવતા હોર્ન ઓકે પ્લીઝ હોટેલની સામેના હા-વે પર ટ્રકને અટકાવી તલાશી લેતામાં ચોખાના બાચકા નીચે છુપાવેલી દારૂ-બીયરની ૧૨૫૯૮ બોટલ-ટીન મળી આવતાં તેના ચાલક ભાવેશ નાથાભાઈ મોરી (રહે.દરેડ-જામનગર)ની ધરપકડ કરવામાં આવી હતી.
ભાવેશની પૂછપરછ કરવામાં આવતાં તેણે કબૂલાત આપી હતી કે આ દારૂ ભાણવડના અરજણ આલાભાઈ કોડિયાતર, બાધા જોરાભાઈ શામળા, ભરત ઉર્ફે જીગો સુમાભાઈ કોહિયાદર અને નાથા બીજલભાઈ સવધરિયાએ પંજાબથી મંગાવ્યો હતો. દારૂનો આ જથ્થો પોરબંદર મોકલવાનો હતો. ઉપરોક્ત પાંચ પૈકી અરજણ અને બાધા શામળા અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂક્યા હોવાનું પણ ખુલ્યું છે. પોલીસે ૪૭.૮૪ લાખની કિંમતનો દારૂ-બીયર, ટ્રક, રોકડ સહિત કુલ ૭૨,૯૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.