વાવડીમાં ધો.12ની છાત્રાએ મોબાઈલની માથાકૂટમાં આત્મહત્યા કરી
નવાગામમાં આર્થિકભીંસથી કંટાળી યુવકે ઝેરી દવા પી જીવ ટૂંકાવ્યું
રાજકોટમાં નજીવી બાબતે યુવાધનમાં આપઘાતના બનાવોની ઘટના દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે વધુ બે બનાવો સામે આવ્યા છે.જેમાં રાજકોટમાં વાવડી વિસ્તારમાં આવેલા આવેલ શયન હાઈટસ પાસે આવાસ કવાટર્સમાં રહેતી અને ધો.12માં અભ્યાસ કરતી મોબાઈલની માથાકૂટમાં આપઘાત કરી લીધો હતો.એનએ અન્ય બનાવમાં નવાગામમાં આર્થિકભીંસથી કંટાળી યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું.
પ્રથમ બનાવની માહિતી મુજબ રાજકોટમાં આવેલા વાવડી ગામ વિસ્તારમાં શયન હાઈટસની પાસે મનસુખભાઈ સખીયા આવાસ કવાર્ટસમાં રહેતી યશવીબેન નિલેશભાઈ ગોંડલીયા નામની 17 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે મધરાત્રે ચુંદડી વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યશવીના પિતા નિલેશભાઈ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. યશવી બે બહેનમાં મોટી હતી અને ધો.12 અભ્યાસ કરતી હતી. આવાસ કવાર્ટસમાં 10માં માળે રહેતા નિલેશભાઈ ગોંડલીયા અને તેમની પત્ની ચોથા માળે રહેતા સંબંધીને ત્યાં રાત્રિનાં સમયે બેસવા માટે ગયા હતાં. તે દરમિયાન યશવીબેન અને તેની નાની બહેન ખુશી વચ્ચે મોબાઈલ મુદ્દે ઝઘડો થયો હતો. જેથી ખુશીએ મોબાઈલ મુદ્દે થયેલી રકજકની માતાને જાણ કરી દેવાનું કહેતા યશવીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
અન્ય બનાવમાં નવાગામ આણંદપરમાં દિવેલીયાપરા વિસ્તારમાં રહેતા રવજી ધીરૂભાઈ ચૌહાણ નામનો 27 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. જેથી યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને અહી તેનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું.આ મામલે કુવાડવા પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે,પ્રાથમિક પુછપરછમાં મૃતક રવજીભાઈ ચૌહાણને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. રવજીભાઈ ચૌહાણ મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ આર્થિક ભીંસના કારણે આ આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે.