પોસ્ટલ આસીસટન્ટને ત્યાં રૂ.3.24 લાખની ચોરીમાં જાણભેદુ હોવાની શંકા
પુત્રીની સગાઈના દાગીના અનાજની કોઠીમાં રાખ્યાની જાણ તસ્કરને અગાઉથી હોય તક જોઈ ચોરી કરી
રાજકોટની ભાગોળે નવાગામ આણંદપરની રંગીલા સોસાયટી રહેતા અને દિવમાં પોસ્ટલ આસીસટન્ટ તરીકે ફરજ બજાવતા માધાભાઇ રૂડાભાઇ ઝાલાના ત્રણ દિવસ બંધ રહેલ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને પુત્રીના લગ્ન માટે રાખેલા રૂ.3.24 લાખના દાગીનાની ચોરી ગયા હતા. આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી હતી.
નવાગામ પાસે નવીન રેસીડન્સી શેરી નં.2 બ્લોક નં એ-6 માં રહેતાં દિવમાં પોસ્ટલ આસીસટન્ટ તરીકે ફરજ બજાવતા માધાભાઇ રૂડાભાઇ ઝાલા પોતે દીવ રહેતા હોય જ્યારે પત્ની અને મોટી પુત્રી નવાગામ ખાતે રહે છે. ગઇ તા.30/03/2024 ના રોજ માતા-પુત્રી બંને દીવ માધાભાઈને આંટો મારવા દીવ ગયા હતા અને ત્રણ દિવસ બંધ રહેલા તેમના નવાગામના મકાનમાં ચોરી થઈ હતી. ગત તા2/04ના રોજ પાડોશીએ ચોરીની જાણ કરતાં તે રાજકોટ આવ્યા હતા. તપાસ કરતાં દિકરીના લગ્ન નજીક હોય અને તેને આપવાના દાગીના અને તેની સગાઇ વખતે આવેલ દાગીના મળી રૂ.3.24 લાખના દાગીના જે અનાજ ભરવાની કોઠીમા બોક્ષમા છુપાવી રાખ્યા હતા ત્યાંથી ચોરી થયા હોય આ ચોરીમાં કોઈ ચોક્કસ જાણભેદુ હોવાની શંકા માધાભાઈએ પોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી.
પરિવારના માતા-પુત્રી દીવ જવાના હોય અને મકાન બંધ રહેવાનું હોવાની જાણ ચોરને હોવાથી તકનો લાભ તસ્કરો લઈ ગયા હોય કુવાડવા પોલીસે આ મામલે તપાસ કરી હતી. જોકે મકાનની આસપાસ સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસે ગામમાં અન્ય સ્થળે લાગેલા કેમેરાના ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.