મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ:મોબાઈલના કોલ ડિટેઇલ ઉપર તપાસ
મવડી પ્લોટ એમનગરમાં ખાનગી હોસ્પિટલની નર્સ કાજલબેન ભીખાભાઇ કોટડીયા (ઉ.વ.૨૬)ની શાપર વેરાવળમાં વીસ દિવસ પહેલા જ ખરીદેલા નવા ફ્લેટમાંથી કોહવાયેલી અને લટકતી હાલતમાં લાશ મળતાં અરેરાટી વ્યાપી ગઇ છે.
મુળ ગીર સોમનાથના તાલાલા તાબેના ગીર વડાળા ગામની કાજલ છેલ્લા આઠેક વર્ષથી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી અને કાજલબેને વીસ દિવસ પહેલા શાપર-વેરાવળમાં ફ્લેટ ખરીદ કર્યો હતો અને રાજકોટથી ત્યાં રહેવા ગઈ હતી. માતા-પિતા કે જે તાલાલાના ગીર વડાળા ગામે રહે છે તેને જાણ કરતાં તેઓ શાપર દોડી આવ્યા હતાં. મૃત્યુ પામનાર કાજલબેન ત્રણ બહેન અને એક ભાઇમાં મોટી અને અપરિણીત હતી. પિતા ભીખુભાઇ ગામમાં અનાજ દળવાની ઘંટી ચલાવે છે. માતા-પિતા કાજલ સાથે નવા ખરીદેલા ફલેટે પંદર દિવસ રોકાયા હતાં અને દિવાળીના તહેવાર બાદ વતન જતાં રહ્યા હતાં. બીજા દિવસે કાજલને ફોન કર્યો પણ મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. તે કદાચ બહારગામ ગઇ હશે તેમ અમને લાગ્યું હતું બાદમાં ફ્લેટમાં પડોશીનો ફોન આવ્યો હતો અને તમારા ફ્લેટમાંથી ખુબ જ દૂર્ગંધ આવે છે તેમ કહેતાં અમે જ ફ્લેટ પર આવીને જોતાં દિકરી કાજલ લટકતી જોવા મળી હતી. મોતનું કારણ જાણવા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.