રાજકોટના સરધાર ગામે પાક નિષ્ફ્ળ જતા ખેડૂતે કરી આત્મહત્યા
બે એકર જમીનમાં વાવણી કરેલ કોથમરી અને મગફળીનો પાક અણધાર્યા વરસાદમાં ધોવાઈ જતાં ઝેરી ટિકડા ગટગટાવી જીવન ટૂંકાવ્યું : પરિવારમાં કલ્પાંત
હવામાન વિભાગની આગાહી બાદ રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે રાજકોટ જિલ્લામાં ખેડૂતોને મોટાપ્રમાણમાં નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અને ખેડૂતોએ ખેતરમાં કરેલા વાવેતરનો સોથ બોલી ગયો છે લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં મગફળી, કોથમરી, સોયાબીન અને કપાસ જેવા મહત્વના પાક નિષ્ફળ થતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વખત આવ્યો છે.ત્યારે કુદરતના આ પ્રકોપ સામે હારી ગયેલા સરધારના ખેડૂતે પાક નિષ્ફ્ળ જતા પોતાના ઘરે ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
બનાવની માહિતી મુજબ સરધાર ગામે આનંદનગર ક્વાટરમાં રહેતા અને ખેતીકામ કરતા જેસિંગભાઈ અરજણભાઈ મકવાણા નામના 42 વર્ષીય ખેડૂતે શનિવારે બપોરે ઘરે હતા ત્યારે એકાદ વાગ્યાના સુમારે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.અને અહીં તેમનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું.
આ મામલે આજી ડેમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિગપાલસિંહ જાડેજા સહિતનો સ્ટાફ હોસ્પિટલ પર દોડી આવ્યો હતો.અને જેસિંગભાઈના મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.મૃતકના મોટાભાઈ બાબુભાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે મૃતક ત્રણ ભાઈ બે બહેનમાં ત્રીજા નંબરના અને સંતાનમાં બે પૂત્ર છે જેસિંગભાઈ સરધાર ગામે બે એકર જમીનમાં ખેતી કરે છે. ચાલુ વર્ષે તેમણે બે વખત કોથમીરનું વાવેતર કર્યું હતું.જે નિષ્ફ્ળ થયું હતું તે પછી મગફળીનું પણ વાવેતર કર્યું હતું જે પાક ભારે વરસાદને લીધે ધોવાઈ જતા ચિંતામાં મુકાઈ ગયા હતા.અને તમામ પાક નિષ્ફ્ળ થતા આર્થિક ભીંસમાં આવતા આવી જતા તેમને ચિંતામાં આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. બનાવથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.