બેફામ સ્પીડે કાર ચલાવનાર કારખાનેદારે નિર્દોષ વેપારીનો જીવ લીધો
150 ફૂટ રિંગ રોડ ઉપર રામાપીર ચોકડીના ઓવરબ્રીજ ઉપર બનેલો બનાવ
કારખાનેદાર અને તેનો મિત્ર ચિક્કાર નશો કરેલી હાલતમાં હોવાની શંકા
વોક્સવેગન કાર વેપારીને હડફેટે ચડાવી વીજપોલ સાથે અથડાઇ
રાજકોટમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી બનતા અકસ્માતના બનાવોમાં વધુ એક ઘટનામાં ૧૫૦ રીંગ રોડ રામાપીર ચોકડીના ઓવરબ્રીજ ઉપરથી પુરપાટ ઝડપે માધાપર ચોકડી તરફ જઇ રહેલી વોક્સવેગન કાર નંબર જીજે૦૩એલએમ-૧૯૯૦ના ચાલકે આગળ જઇ રહેલા બાઇક નંબર જીજે૦૩ડીએચ-૪૩૪૨ને હડફેટે લેતા બાઇકચાલક કિરીટભાઇ રસિકલાલ પોંદા (ઉ.વ.૫૫) ફંગોળાઇ દૂર ફેંકાઇ ગયો હતો અને ઘટના સ્થળે કિરીટભાઇ રસિકલાલ પોંદાનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી કાર ચાલકે કાર આરએમસીના સ્ટ્રીટ લાઇટના લોખંડના પોલ સાથે ધડાકાભેર અથડાવી હતી અને કારનો આગળનો ભાગ ભાંગી ગયો હતો. અકસ્માત સર્જનાર કાર ચાલક ૧૫૦ રીંગ રોડ ઉપર ગોવર્ધન ચોક પાસે રહેતા અશ્વિન ઉર્ફ અનંત મહેન્દ્રભાઇ દુદકીયા (ઉ.વ.૩૭-) તેની સાથેના ગાંધીગ્રામ-૧માં રહેતા દેવેન્દ્ર અનંતરાય ઉપાધ્યાય (ઉ.વ.૩૭)ને લોકોને અકસ્માત સ્થળેથી પકડી ગાંધીગ્રામ પોલીસ હવાલે કર્યા હતા. બન્ને શખ્સો ચિક્કાર નશામાં હોવાનું ખૂલ્યું હતું.
બનાવની જાણ થતાં ડીસીપી સુધીર દેસાઇ તેમજ એસપી રાધિકા ભારાઈ પી.આઈ બી. ટી. અકબરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, મૃત્યુ પામનાર કિરીટભાઈ ગોંડલ રોડ ઉપર જલારામ સેન્ડવીચ નામે સ્ટોલ ધરાવતાં હતાં મોડી રાતથી વ્હેલી સવાર સુધી પોતાનો ધંધો પૂરો કરી ધંધાના સ્થળેથી ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ પાછળ આવેલી રાધા રેસીડેન્સી-૨માં પોતાના ઘરે જતાં હતાં ત્યારે રસ્તામાં આ બનાવ બન્યો હતો. કિરીટભાઇ પોંદાના મૃત્યુથી એક દિકરા અને એક દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવી છે જ્યારે અકસ્માત સર્જનાર કારચાલક અશ્વિન ઉર્ફ અનંત દુદકીયાને ફેક્ટરી છે. અને તેની સાથેનો દેવેન્દ્ર સવારે ફેક્ટરીએથી નીકળી માધાપર ચોકડી તરફ ગોવર્ધન ચોક તરફ જઇ રહ્યા હતાં. આ બંને નશો કરેલા હોવાની લોકોમાં ચર્ચા થઇ રહી હોઇ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
રાજકોટમાં ત્રણ દિવસમાં પાંચ અકસ્માત
રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં અકસ્માતના બનાવોની સંખ્યા વધી છે. ત્રણ દિવસમાં પાંચ બનાવોમાં 4 વ્યક્તિના ભોગ લેવાયા છે. જેમાં હાર્લે ડેવીડસન બાઇક પર મંદિરે જઈ રહેલા અમીન માર્ગ ટાગોરનગર-૧માં રહેતો સાહિલ નંદલાલભાઇ ઢાલાણી (ઉ.વ.૨૪)નું બાઇક 150 ફૂટ રિંગ રોડ ઉપર શિતલપાર્ક નજીક થાંભલા સાથે અથડાતાં તેનું મોત થયું હતું. બીજા બનાવમાં લોથડા પાસે બોલેરો ચાલકે બાઇક ઉપર જતાં બે મિત્રોને ઠોકરે લેતા ઉજલ્લવ પૂર્વં શ્રીરામનું મોત થયું હતું. બીજા બનાવમાં કોઠારીયા રોડ ઉપર રેતી ભરેલા ડમ્પર ઠોકરે વિનુભાઈ નરશીભાઈ ડાભીનું મોત થયું હતું જ્યારે સીપી કચેરી પાસે મર્સિડિસ કાર અને સ્વીકટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જોકે જેમાં કોઈ જાનહાની થઈ ન હતી. જ્યારે રામાપીર ચોકડીના ઓવરબ્રીજ ઉપરના બનાવમાં વેપારી કિરીટભાઈનું મોત થયું હતું.