જુનાગઢના બે પી.આઈ અને એએસઆઈ સામે ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો
બેંક ખાતુ અનફ્રિઝ કરવાના મામલે એસઓજી અને સાઇબર ક્રાઇમના પી. આઈએ 25 લાખની લાંચ માંગી*તી
જુનાગઢમાં બેંક ખાતુ અનફ્રિઝ કરવાના મામલે 25 લાખની લાંચ માંગવાના પ્રકરણમાં તપાસ બાદ ડીઆઈજીએ આ મામલે ગુનો દાખલ કરવા હુકમ કરતાં રીડર પીઆઈની ફરિયાદના આધારેᅠજુનાગઢ એસઓજીના પીઆઇ સહિત ૨ પીઆઈ અને એએસઆઇ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ એકટની તેમજ અન્ય કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
જુનાગઢના કાર્તિક જગદીશ ભંડારીએ તેમનું બેંક એકાઉન્ટ અનફ્રીજ કરવા માટે તેમને સાયબર ક્રાઇમ સેલ, એસઓજી શાખા જુનાગઢના પીઆઈ એ. એમ. ગોહિલ અને એએસઆઈ દિપક જાની દ્વારા બળજબરીથી નાણા પડાવવા અંગે પરેશાન કરવામાં આવ્યા હોવાની અંગેની અરજી, રજૂઆત કરતા જુનાગઢ રેન્જનાં ડીઆઈજી નિલેશ જાજડીયાએ તપાસનો આદેશ કર્યો હતો. તેમજ પી.આઈ એ.એમ. ગોહિલ અને એએસઆઈ દિપક જાનીને સસ્પેન્ડ કર્યા હતા તેમજ પી. આઈ તરલ ભટ્ટની પણ આ પ્રકરણમાં સંડોવણી ખુલતા તેને પણ સસ્પેન્શન કર્યા છે. બીજી તરફ આ પ્રકરણમાં રીડર પીઆઈ એસ. એન. ગોહિલની ફરિયાદને આધારે જુનાગઢના એસઓજી પીઆઇ એ. એમ. ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ અને સાઇબર ક્રાઇમ સેલના એએસઆઈ દિપકભાઈ જગજીવનભાઈ જાની સામે જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર અટકાવવાનો અધિનિયમ કિંમત કલમ ૧૬૭, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૩૮૫, ૩૮૯, ૧૧૪ અને ૧૨૦ બી મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
અરજદાર કાર્તિક જગદીશ ભંડારીને ઇડીમાં રિપોર્ટ કરવાની ધમકી આપી દિપક જાનીના ઇન્કવાયરી નિવેદન તમામ બેન્ક ખાતાની માહિતી પોલીસ ઇન્સ્પેકટર તરલ ભટ્ટે પી.આઇ. એ. એમ. ગોહિલને આપી હતી. અને કુલ ૩૩૫ બેંક ખાતા ફ્રિઝ કરવામાં આવ્યાં હતા. તેમજ દીપક જાનીએ કાર્તિક ભંડારી પાસેથી રૂપિયા ૨૫ લાખની માગણી કરી અને અન્ય ખાતાધારકોએ રૂપિયા ૨૦-૨૦ લાખ આપેલ છે અને તેમનું કામ થઈ ગયેલ છે તેમ કહી અરજદાર કાર્તિકભાઈ પાસે નાણાંની માગણી કરેલ હોય જેથી બંને પોલીસ ઇન્સ્પેક્ટર અને એએસઆઈ દ્વારા એકબીજાને મદદગારી કરી પ્રકારનો ગુનો આચાર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ કેસની વધુ તપાસ ડીવાયએસપી ઋતુ રાબાને સોંપવામાં આવી છે.