મોરબીમાં ગણેશ વિસર્જન મામલે બે આયોજકો વિરુદ્ધ ગુન્હો નોંધાયો
સિદ્ધિ વિનાયક કા રાજા અને મયુરનગરી કા રાજાના આયોજકે ધરાર પીવાના પાણીમાં મૂર્તિ પધરાવી જળચર જીવોને નુકશાન પહોંચે તેવું કૃત્ય કર્યું
મોરબી જિલ્લામાં ગણેશ વિસર્જન માટે નગરપાલિકાએ વ્યવસ્થા ગોઠવી કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જનની વ્યવસ્થા ગોઠવી હોવા છતાં બે આયોજકો દ્વારા મંગળવારે મોડી રાત્રે ધમાલ કરી પોલીસની મનાઈ છતાં કંડલા બાયપાસ ઉપર મચ્છુ -3 ડેમમાં ક્રેઇન વડે વિશાળ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરતા બન્ને આયોજકો વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજ્યમાં દર વર્ષે ગણેશોત્સવ બાદ મૂર્તિ વિસર્જન સમયે ડૂબી જવાના અનેક બનાવો બનતા હોવાની સાથે ગણેશજીની પ્રતિમા બનાવવામાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટર ઓફ પેરિસને કારણે પ્રદુષણ ફેલાતું હોવા ઉપરાંત જળચર જીવોની જિંદગી જોખમમાં મુકાતી હોય મોરબીમાં પણ ગણેશોત્સવ બાદ મૂર્તિ વિસર્જન માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. સાથે જ મોરબી નગરપાલિકા દ્વારા ચાર સ્થળે કલેક્શન સેન્ટર ઉભા કરી કૃત્રિમ કુંડમાં મૂર્તિ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે, આમ છતાં મોરબીના રવાપર રોડ ઉપર સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવનું આયોજન કરનાર અરવિંદભાઈ છગનભાઇ બારૈયા અને મયુરનગરી કા રાજા ગણેશોત્સવનું આયોજન કરનાર વિશ્વાસ વલ્લભભાઈ ભોરણીયાએ ખાનગી ક્રેઇન બોલાવી કંડલા બાયપાસ ઉપર જુના આરટીઓ પાસે મચ્છુ -3 ડેમમાં વિશાળ મૂર્તિ વિસર્જિત કરતા મોરબી તાલુકા પોલીસે બન્ને આયોજકો વિરુદ્ધ બીએનએસ કાયદાની કલમ 223 તેમજ 125 અને જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.
આયોજકોએ પોલીસ કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો
મોરબીમાં કંડલા બાયપાસ ઉપર જૂની આરટીઓ કચેરી નજીક મચ્છુ -3 ડેમમાં ગણેશ વિસર્જન મામલે મોરબી તાલુકા પોલીસે સિદ્ધિ વિનાયક કા રાજા અને મયુરનગરી કા રાજાના આયોજક વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરતા જ ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આ મામલે આયોજકોએ પ્રેસ કોન્ફરન્સ યોજી પોલીસની કાર્યવાહી સામે રોષ વ્યકત કર્યો હતો. પોલીસ દ્વારા નોંધવામાં આવેલા ગુન્હા અંગે સિદ્ધિ વિનાયક કા રાજાના આયોજક અરવિંદ બારૈયાએ જણાવ્યું હતું કે, અમો 15 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરીએ છીએ અને 20થી 22 ફૂટની બાપાની પ્રતિમા હોવાથી તંત્રને અમે લોકોએ અગાઉથી જ જાણ કરી કૃત્રિમ કુંડમાં પ્રતિમા વિસર્જિત ન થઈ શકે તેમ હોવાનું જણાવ્યું હતું. સાથે જ પોલીસને મળી સમજાવટથી ક્રેઇન, તરવૈયા સાથે શાંતિ પૂર્વક વિસર્જન કર્યું હોવા છતાં પાછળથી ડીવાયએસપી ઝાલાએ ગુન્હો દાખલ કરાવ્યો છે જે યોગ્ય નથી.
કાયદો કોઈના બાપની જાગીર નથી, તમામે પાલન કરવું જ પડે : ડીવાયએસપી ઝાલા
મોરબીમાં ગણેશ વિસર્જન મામલે બે આયોજક વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યા બાદ સિદ્ધિ વિનાયક ગણેશોત્સવના આયોજકે પત્રકાર પરિષદ યોજી સીધા જ ડીવાયએસપી ઝાલા વિરુદ્ધ આક્ષેપો કરતા ડીવાયએસપી ઝાલાએ ગુરુવારે સાંજે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, કાયદો કોઈના બાપની જાગીર નથી, બન્ને આયોજકોએ કાયદો હાથમાં લઈ રાત્રીના 10 વાગ્યા સુધીમાં ગણપતિજીનું વિસર્જન કરવાને બદલે રાત્રે અઢી વાગ્યે નિયમભંગ કરી વિસર્જન કર્યું છે જેના વિડીયો પણ સામે આવ્યા છે ત્યારે વીડિયોમાં દેખાતા તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી ગણેશોત્સવના આયોજકોને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, હું પણ જન્મેથી જ હિન્દૂ છું અને આક્ષેપો કરનાર કરતા વધુ વેદ પુરાણ જાણું છું, જો ગણેશોત્સવના આયોજકો ગણેશજીના 12 નામ જણાવે તો પણ ખરા કહેવાય, સાથ જ તેઓએ જણાવ્યું હતું કે, ગણેશોત્સવના નામે ઉદ્યોગકારો પાસેથી ફંડ ફાળા લેવા જાહેરાતોના બોર્ડ લગાવવા અને વ્યાપારિક નફાકારક પ્રવૃત્તિ કરવી અને હિન્દૂ લાગણી દુભાવવાની વાત કરવી યોગ્ય નથી.