એક્સેસમાં સ્ટંટ કરતા બે શખસોને ટપારતા જ બિલ્ડરને છરી ઝીંકી દીધી..!
ગુનેગારો સામે પોલીસની કડક કાર્યવાહી બાદ પણ તેની અસર આવારાતત્વોમાં નહીં સમાન
ડીજીપીના આદેશ બાદ પોલીસે ગુનેગારોની મિલક્તો તોડી અનેક આવારાતત્વોને હથિયાર સાથે પકડ્યા પરંતુ આ સમગ્ર કાર્યવાહી બાદ પણ રાજકોટમાં ટપોરી અને ગુંડાતત્વો જાણે જાડી ચામડીના હોય તેમ સુધારવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે ભગવતીપરા મેઈન રોડ પર જાહેરમાં એક્સેસ પર સ્ટંટ કરતા બે શખસોને ટપારતા બિલ્ડરને છરીના ઘા મારી દીધા હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, ભગવતી પરા શેરી નંબર 19 માં રહેતા કિશોરભાઈ સવાભાઈ ડાંગર ( ઉં.વ ૩૮ ) નામના બિલ્ડરે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગુરુવારે રાત્રિના ૯ વાગ્યા આસપાસ ભગવતી પરા મેઈન રોડ પર જે માડી હોટેલની બાજુમાં આવેલી તેમની બાંધકામ સાઇડ પરથી ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં એક્સેસ પર બે યુવકો સ્ટંટ કરતા હોય જેથી ફરિયાદીએ બંને શખસોને આમ ન કરવા કહ્યું હતું જે વાત ધ્યાને લઈને ફરિયાદી પોતાનું બાઇક લઈ આગળ જતા પાછળથી આવેલ બંને શખસોએ એક્સેસ રોડ પર આડુ રાખી કિશોરભાઈને રોક્યા હતા. જે બાદ ” તારી બહુ હવા છે તેવું કહીને બંને શખસો ઢીકાપાટું મારવા લાગ્યા હતા દરમિયાન એક શખસે પોતાના નેફામાંથી છરી કાઢી કિશોરભાઈને પગ પર અને માથામાં ઝીંકી દઈ ત્યાંથી નાશી છૂટ્યો હતા.
ઘટનામાં કિશોરભાઈને ગંભીર ઇજા પહોંચી હોય જેથી પરિચિત દ્વારા તેઓને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા અહીં પોલીસે નોંધેલા નિવેદનના આધારે એક્સેસ ચાલક સહિત બે શખસો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે