17 વર્ષીય સગીરાનું નરાધમે અપહરણ કરી ચોટીલા હોટલમાં ગુજાર્યું દુષ્કર્મ
પ્રેમજાળમાં ફસાવી ઘરેથી કારમાં અપહરણ કરી ગયો : ભત્રીજીને બચાવવા કાકા કાર વચ્ચે પડતા તેમને પણ ઠોકરે ચડાવ્યા : પોલીસે આરોપીને સકંજામાં લીધો
રાજકોટમાં ભાવનગર રોડ નજીક એક વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાને તેના પાડોશમાં રહેતા શખસે પ્રેમજાળમાં ફસાવીને કારમાં અપહરણ કરી જઈ ચોટીલા હોટલમાં સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું.નરાધમ અપહરણ કરવા આવ્યો ત્યારે સગીરાને બચાવવા તેના કાકા કારની વચ્ચે પડતા તેઓને ઠોકરે ચડાવ્યા હતા. જયારે આ મામલે થોરાળા પોલીસે ગુનો નોંધી નરાધમની અટકાયત કરી છે.
વિગત મુજબ આજી વસાહત પાસેના વિસ્તારમાં રહેતા વૃદ્ધાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે તેના પાડોશમાં રહેતા કૃણાલ હસમખુભાઇ વાઘેલા નામના શખ્સનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની સગીર વયની પૌત્રીને પાડોશમાં રહેતા કૃણાલ નામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી કારમાં અપહરણ કરી ચોટીલા લઇ જઇ હોટેલમાં મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.બાદમાં ઘર પાસે ઉતારી નાસી ગયો હતો. જયારે આ મામલે પીઆઇ વાઘેલા સહિતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,અગાઉ પણ આરોપી સગીરાનું અપહરણ કરી ગયો હોવાનું તેમજ તા.19ના રોજ મોડી રાત્રીના બધા સૂતા હતા તે દરમિયાન મળવા આવવાનું કહી બહાર બોલાવી હતી. તે દરમિયાન તેના કાકા સહિતના પરિવારજનો નિદ્રામાંથી જાગી ગયા હતા અને દેકારો કરી તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીએ કારની ઠોકર મારી સગીરાનું અપહરણ કરી ભાગી ગયાનું બહાર આવતા પોલીસે પોક્સો સહિતનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે.