હિંચકાની દોરી ગળામાં વિંટાઇ જતા 13 વર્ષના તરુણનો જીવ ગયો
પેટા: બેડીપરા વિસ્તારમાં રહેતા પરીવારનો એકનો એક પુત્ર ઘરે ઉપરના માળે હિંચકો હિંચકતો હતો ત્યારે બની કરુણ ઘટના
રાજકોટના બેડીપરા વિસ્તારમાં એક કરૂણ ઘટના બની હત. ઘરે રમતા 13 વર્ષીય તરુણ ના ગળામાં હિંચકાની દોરી વિંટાઇ જતા તેનું મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે.
વિગત મુજબ રાજકોટના બેડીપરામાં પટેલ વાડીની સામે રહેતા હોસેનભાઇ સમાનો પુત્ર મહમદ (ઉ.વ.13) રાતના નવેક વાગ્યે પોતાના ઘરે હતો ત્યારે પરીવારજનો નીચેના રૂમમાં બેઠા હતા અને પોતે ઉપરના માળે રૂમમાં જઇ દોરડાથી બાંધેલા હિંચકામાં હિંચકતો હતો.તે સમયે હિંચકાની દોરી તેના ગળામાં ફસાઇ જતા ગળાફાંસો આવી જતા તે બેભાન થઇ ઢળી પડયો હતો.પુત્ર મોડે સુધી નીચે ન આવતા પરીવારજનો તપાસ કરવા જતા તે ગળામાં દોરી વીંટળાયેલી હાલતમાં બેભાન પડયો હતો. જેથી પરિવારજનોએ તાત્કાલીક 108 મારફતે સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડાતા બાળકને ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો.બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના એએસઆઇ કે.સી.સોઢા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃતક બાળક ધો.7માં અભ્યાસ કરતો અને પરિવારના એકનો એક પુત્ર હતો. તેના પિતા દુકાનમાં નોકરી કરે છે એકના એક પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.