રાજકોટની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં સિનિયર હેડ મેનેજર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા વૃદ્ધને તેમના પુત્રને સેન્ટ્રલ જીએસટી વિભાગમાં કાયમી નોકરી અપાવી દેવાના નામે 8.29 લાખની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે ન્યુ રેલનગરમાં રહેતા જગદીશભાઈ બટુકભાઈ ચૌહાણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ જ્યારે જિમખાના બ્રાન્ચમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે દેવરાજ ગોહિલ નામની એક વ્યક્તિ પૈસા જમા કરાવવા આવતી હોય તેની સાથે ઓળખાણ થઈ હતી. આ વેળાએ દેવરાજે પોતે એસીબીમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. ત્યારપછી જગદીશભાઈની બદલી યુનિવર્સિટી બ્રાન્ચમાં થતા દેવરાજ ત્યાં પણ પૈસા ઉપાડવા આવતો હતો. એક વખત જગદીશભાઈને દેવરાજે પૂછયુંહતું કે તેમનો પુત્ર ક્યાં નોકરી કરે છે જેનો જવાબ આપતા જગદીશભાઈએ કહ્યું હતું કે તેમનો પુત્ર જયપાલ સેન્ટ્રલ જીએસટીમાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર કામ કરે છે. દેવરાજે કહ્યું હતું કે દીકરાને કાયમી કરાવવો હોય તો આઠ લાખનો ખર્ચ થો. આ સાંભળી જગદીશભાઈએ પૈસા આપવાનું નક્કી કરી 8.29 લાખ રૂપિયા આપ્યા હતા.
પૈસા લીધા બાદ દેવરાજે કહ્યું હતું કે તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ચાર મહિનામાં કોલ લેટર આવી જશે. થોડા દિવસ બાદ કોલ લેટર પણ બતાવીને કહ્યું હતું કે જો જગદીશભાઈ ઓફિસની મંડળીમાં સભ્ય બની 55,000 જમા કરાવશે તો તેમને કોલ લેટર મળી જશે. આ પછી જગદીશભાઈએ એ પૈસા પણ જમા કરાવ્યા હતા. થોડા દિવસ સુધી રાહ જોયા બાદ કોલ લેટર માટે દેવરાજને ફોન કરતા તેના પુત્રએ ફોન ઉપાડ્યો હતો જે બાદ ફોન દેવરાજના પિતા વાલજીભાઈને આપતા તેમણે કહ્યું હતું કે દેવરાજ હાલ જેલમાં છે અને છૂટશે ત્યારપછી વાત કરશે.
