રાજકોટના ભૂદેવ સાથે કર્મકાંડનો કોન્ટ્રાક્ટ દેવાની લાલચે 8.24 લાખની છેતરપિંડી
ભુજના ચાર શખસોએ અલગ-અલગ કંપનીઓમાં ભાગવત સપ્તાહ અને યજ્ઞનું કામ આપવી દેવાનું કહી ટેન્ડર અને ટેક્ષના નામે પૈસા પડાવ્યા
રાજકોટના રૈયા રોડ પર આવેલા ડ્રીમસીટી એપાર્ટમેન્ટમાં રહેતા અને કર્મકાંડનું કામ કરતા ભૂદેવને ભુજમાં કર્મકાંડનો કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચે કચ્છ-ભૂજના ચાર શખ્સોએ ટેન્ડર અને ટેક્ષના નામે રૂ.8.24 લાખ પડાવી છેતરપીંડી કરતા આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ રાજકોટના રૈયાધારમાં આવેલ શાંતિનગર મેઈન રોડ પર ડ્રીમસીટી એપાર્ટમેન્ટ બી-2માં ફ્લેટ નં. 1204માં રહેતા અને કર્મકાંડનું કામ કરતા અશોક કુમાર જગજીવનભાઈ ધાંધિયા (ઉ.વ.42)એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે કચ્છના ભૂજ તાલુકાના મિરઝાપરના હિતેશ વેલજી પરમાર અને તેની સાથેના જગતભાઈ તથા વિનોદ અને દલપતભાઈનું નામ આપતા ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2007 ગોંડલ ખાતે આવેલી કંપનીમાં માર્કેટીંગ વિભાગમાં નોકરી કરતા હતા ત્યારે અશોકભાઈની હિતેશ પરમાર સાથે ઓળખ થઈ હતી.
બાદમાં અશોકભાઈએ નોકરી છોડી દીધી હતી. અને 11 મહિના પહેલા હિતેશનો ફોન આવ્યો હતો અને તમે કર્મકાંડનું કામ કરતા હો તો કચ્છમાં ભૂજ અને ગાંધીધામ તેમજ મુંદ્રા સહિતની અલગ અલગ જગ્યાઓએ આવેલી મોટી કંપનીમાં અમે ગાડીઓ ભાડા ઉપર અપાવવાનું કામ કરીએ છીએ. ત્યારે આ કંપનીમાં ભાગવત સપ્તાહ અને યજ્ઞો તેમજ વિવિધ ધાર્મિક કામ માટે કર્મકાંડી બ્રાહ્મણની જરૂર હોય તમને હું તેનો કોન્ટ્રાક્ટ અપાવી દઈશ તેવી લાલચ આપી હતી.કંપનીમાં કોન્ટ્રાક્ટ માટે અશોકભાઈ પાસેથી રૂા. 9.99 લાખ મેળવ્યા બાદ હિતેશે કોઈ જવાબ નહીં આપતા ફોન કર્યો હતો. ત્યારે કંપનીના મેનેજર તરીકે ઓળખાણ આપનાર દલપત અને જગત સાથે ફોન પર વાત કરાવી કોન્ટ્રાક્ટ મંજુર થઈ જશે તેવી લાલચ આપી હતી. આમ કોન્ટ્રાક્ટ નહીં મળતા અશોકભાઈએ આ બાબતે ફરિયાદનું કહેતા હિતેશે રૂા. 1.75 લાખ પરત આપ્યા હતા અને બાકીની 8.24 લાખની રકમ પરત નહીં આપતા યુનિવર્સિટી પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધ્યો છે.