મેરઠમાં એક જ પરિવારના 5 લોકોના ગળા વાઢી હત્યા
પતિ-પત્ની અને ત્રણ દિકરીની લાશ મળી આવતા હાહાકાર : કારણ અકબંધ
ઉત્તર પ્રદેશના મેરઠમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા થતા ખળભળાટ મચી ગયો હતો. એક બંધ ઘરમાંથી પતિ, પત્ની અને તેમની ત્રણ દીકરીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ હત્યાકાંડનો કેસ ઉકેલવા પોલીસ તપાસ કરી રહી છે. જે સંજોગોમાં મૃતદેહો મળી આવ્યા હતાં, તે જોતાં એવું લાગે છે કે હત્યારાઓ આ મૃતદેહોને બીજે ક્યાંક લઈ જઈને નિકાલ કરવા માંગતા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આ ઘટના મેરઠનાં લિસાડી ગેટ વિસ્તારના સોહેલ ગાર્ડનની છે જ્યાં શુક્રવારે એક ઘરમાંથી પતિ, પત્ની અને તેની ત્રણ દીકરીઓની લાશ મળી હતી. મૃતકની ઓળખાણ મોઈન, પત્ની અસમા અને તેની ત્રણ દીકરી અફ્સા (8), અઝીઝા (4) અને અદીબા (1) તરીકે થઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોઈન કડીયાકામ કરતો હતો. પાડોશીએ જણાવ્યું કે, ઘરના મુખ્ય ગેટ પર તાળા લાગેલા હતા અને અંદર કોઈ પણ પ્રકારની હલચલ નહોતી થતી.
પાડોશીઓને શંકા ગયા બાદ પોલીસને બોલાવાઈ હતી પોલીસે દરવાજો તોડીને અંદર જોયુ તો મોઈન અને અસમાની લાશ જમીન પર પડેલી જોવા મળી, જ્યારે ત્રણ બાળકોની લાશ બેડના બોક્સમાંથી મળી. પોલીસને એક વર્ષની બાળકીની લાશ બોરીમાંથી મળી. તેની પણ હત્યા કરીને લાશ બોક્સમાં છુપાવી દીધી હતી. કહેવાય છે કે પરિવાર બુધવાર સાંજથી ગુમ હતો અને કોઈએ તેમના જોયા નહોતા.
ઘટનાની જાણ થતાં પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી દીધી હતી. મેરઠના એસએસપી વિપિન તાડાએ કહ્યું કે, લિસાડી ગેટ વિસ્તારમાં આવેલા એક ઘરમાં પાંચ લોકોની લાશ મળી છે. તેમાં પતિ-પત્ની અને ત્રણ બાળકો સામેલ છે.
